– નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલની પ્રારંભિક ૧૦૦ ની બેડ ક્ષમતા પાંચ ગણી કરવાના દ્રઢ નિર્ધાર સંદર્ભે જિલ્લામાં ૪૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ :
જરૂરીયાત મુજબ વધુ ૯૦ બેડની સુવિધા ખાનગી દવાખાનાઓમાં ઉપલબ્ધ કરાશે.
– પ્રારંભિક ૧૫૦ બેડની કોવિડ કેર સેન્ટરની ક્ષમતામાં વધારો કરીને જિલ્લાના તમામ તાલુકા સહિત તમામ CHC સહિતના કેન્દ્રો ખાતે ૧૦૦૦ સુધી લઇ જવાની દિશામાં થયેલી નોંધપાત્ર કામગીરી.
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટર તથા કોવિડ-૧૯ માટે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલા એસ.જે. હૈદરે વૈશ્વિક કોરોના મહામારી સંદર્ભે નર્મદા જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ, સહિત જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા સહિત સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને જિલ્લા પ્રશાસનને જરૂરી સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ.
જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદરના અધ્યક્ષસ્થાને આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા હૈદરે જણાવ્યું હતું કે, રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતેની કોવિડ-૧૯ હોસ્પિટલની ૧૦૦ બેડની ક્ષમતાને પાંચ ગણી કરવાના દ્રઢ નિર્ધાર સંદર્ભે રાજપીપલાની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે હાલમાં વધુ ૧૦૦ બેડની ક્ષમતા સાથે ૨૦૦ બેડ, જિલ્લાના ચાર સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૦૦ બેડ, ૪ ખાનગી હોસ્પિટલો ખાતે ૧૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જ્યારે જરૂરીયાત મુજબ વધુ ૯૦ બેડની સુવિધા ખાનગી હોસ્પિટલો ખાતે ઉભી કરવાની કાર્યવાહી પણ હાલ પ્રગતિ હેઠળ હોવાનું હૈદરે ઉમેર્યું હતું. તેવી જ રીતે જિલ્લામાં શરૂઆતની કોવિડ કેર સેન્ટરની ૧૫૦ બેડની ક્ષમતા વધારીને ૧ હજારની કરવાના લક્ષ સાથે જિલ્લામાં ૯ કેન્દ્રોમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયાં છે દરેક તાલુકામાં ૫૦ બેડની ક્ષમતા-સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જે તે તાલુકા વિસ્તારના હળવા લક્ષણો વાળા દરદીઓ ( માઇલ્ડ કેસીસ કિસ્સા ) ને જે તે તાલુકામાં જ જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે.
જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદરે બેઠકમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, રાજપીપલા ખાતે RTPCR ટેસ્ટની સુવિધા માટે જરૂરી સાધનો ઉપલબ્ધ થયેલ છે અને તે અંગેની તાલીમ પણ અપાઇ છે. આગામી ત્રણ-ચાર દિવસમાં RTPCR ટેસ્ટની લેબ કાર્યરત થઇ જશે. રેમડેસિવિર ઇજેક્શનનો પૂરતો જથ્થો જિલ્લાને ઉપલબ્ધ થયેલ છે. આ ઇંજેક્શન મેડીકલી ઉચીત અને વાજબી જણાય તેવા દરદીઓના કિસ્સાઓમાં જ ઉપયોગ થાય તે જોવાની પણ તેમણે ભારપૂર્વક હિમાયત કરી હતી. જિલ્લાના પાંચ વેન્ટીલેટર છોટાઉદેપુર ખાતેથી પરત મળેલ છે. નર્મદા જિલ્લાના આયુષ ડૉક્ટર, સ્ટાફ નર્સ સહિતનો વડોદરા ખાતે ડેપ્યુટેશનમાં મુકાયેલો મેડીકલ સ્ટાફ પણ જિલ્લાને પરત મળી ગયેલ છે અને જિલ્લામાં તેમની સેવાઓ લેવાઇ રહી છે.
બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, રાજપીપલામાં કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઓક્સીજનના પ્લાન્ટની સ્થાપનાની દિશામાં પણ સઘન વિચારણા હાથ ધરાઇ છે. રાજપીપલાના સ્મશાનગૃહમાં ઇલેક્ટ્રી ભઠ્ઠીની સુવિધા, જિલ્લાના દરેક ગામમાં પલ્સ ઓક્સીમીટરની સુવિધા ઉપલબ્ધ કરવાં, દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સીજનની સુવિધા ઉપલબ્ધ કરવાં, ૧૦૮ એમ્બુલન્સ આરોગ્ય સેવકોને જિલ્લાની અને નજીકની કોવિડ હોસ્પિટલોમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓથી વાકેફ કરવાં, આરોગ્ય ટુકડીઓની સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવી, જરૂરી વિટામીનની ગોળીઓ દવાના ફિક્સ પેકેટ વિતરણ કરવાં, જરૂર પડે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોવિડ કેર સેન્ટરમાં સંબંધિત દરદીને તુરંત જ સારવાર મળી રહે તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી.
સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તાએ બેઠકમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના ઓક્સિજનના ૭૦ જુના મોટા સિલીન્ડર ઉપરાંત ૫૫ નવાં ઓક્સિજન સિલીન્ડરની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જ્યારે નવા ૧૨૦ સિલીન્ડરનો ઓર્ડર અપાયેલ છે. એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, કોવિડ કેર સેન્ટરોમાં ૪૦૦ બેડની વ્યવસ્થા હતી તેને ૧ હજાર બેડ સુધી લઇ જવામાં આવશે તેમજ સરકારી અને ખાનગીમાં જ્યાં ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં ૫૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેની સાથોસાથ દરેક તાલુકાકક્ષાએ ઓક્સીજનની સુવિધાવાળા ૨૦ બેડની સુવિધા ટુંક સમયમાં ઉપલબ્ધ કરાશે જિલ્લામાં ૨૫ જેટલાં ધન્વંતરી રથ ઉપરાંત, PHC-CHC-SDH સહિત જિલ્લાના કુલ-૩૪ જેટલા કેન્દ્ર ખાતે એન્ટીજન, RTPCR ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે તે સિવાય ૧૨ જેટલાં વિવિધ કેન્દ્રો ખાતે એન્ટીજન, RTPCT ની સાથે વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા