ભરુચ જિલ્લામાંં વધતા જતા કોરોના સંક્રમણને લઇને તંત્ર દ્વારા ચાંપતા પગલા લેવાઇ રહ્યા છે. જિલ્લામાંં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટર અને જીલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લામાં કોરોના વાયરસના વધતા જતા કેસોને લઇને જરુરી સમીક્ષા કરવામાં આવી હતી.જે અંતર્ગત હોસ્પિટલોમાં પથારીની સંખ્યામાં વધારો કરવો તેમજ ઓક્સિજનની સુવિધા પણ વધારવામાં આવશે,એમ જણાવાયુ હતુ.
વધુમાં, અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલોના તબીબોએ પણ હોસ્પિટલોમાં સેવાઓ આપવાની તૈયારીઓ બતાવી હતી. કોરોના મહામારીને પહોંચી વળવા પંડવાઈ સુગર દ્વારા રુ.૧૦ લાખ, ઘારીખેડા સુગર દ્વારા રુ.૫ લાખ, દૂધ ધારા ડેરી દ્વારા રુ.૫ લાખ તેમજ મંત્રીના મિત્ર મંડળ દ્વારા રુ. પાંચ લાખ મળીને કુલ રુ.૨૫ લાખના ખર્ચે બાઇપેક ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવશે,એમ જણાવાયુ હતુ. ઉપરાંત ૨૦ જેટલા વેન્ટિલેટર સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રયત્નોથી મુખ્યમંત્રી દ્વારા ભરૂચ જિલ્લામાંં ફાળવવામાં આવ્યા હોવાનું જણાવાયુ હતુ. ઉદ્યોગોના ડોક્ટરો દ્વારા પણ હોસ્પિટલોમાં ચાર કલાક સેવા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જીલ્લા આરોગ્ય વિભાગના તબીબો, અંકલેશ્વરના ખાનગી તબીબો, જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદિપ પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ નિતેન્દ્ર દેવધરા, મામલતદાર, ટી.ડી.ઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ