ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ કેએલજે ઓર્ગેનિક્સ નામની કંપનીમાં હાલ લોખંડના સ્ટ્રકચરનું કામ ચાલતું હોવાથી કંપની દ્વારા એક એન્જિનિયરિંગ કંપનીને ફેબ્રીકેશનનું કામ સોંપ્યું હતું. આ કામ માટે કંપની દ્વારા કોન્ટ્રાક્ટરને લોખંડનું જરૂરી મટીરીયલ આપવામાં આવ્યું હતું. ચારે તરફ ફેન્સીંગ લગાવેલ ખુલ્લી જગ્યામાં કામમાં ઉપયોગમાં લેવાના લોખંડના એંગલ, ચેનલ, બીમ જેવું મટીરીયલ રાખવામાં આવ્યું હતું. ગતરોજ કોન્ટ્રાક્ટમાં કામ કરતાં એક ઈસમે કોન્ટ્રાક્ટરને ફોન કરીને કંપનીમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટ લેનાર એન્જિનિયરિંગ કંપનીના જયપ્રકાશ શ્રીધરન દ્વારા બીજા દિવસે લોખંડનું મટીરીયલ જ્યાં રાખવામાં આવ્યું હતું, ત્યાં તપાસ કરતા લોખંડની ચેનલ, એંગલ અને બીમ મળીને આશરે બે ટન જેટલું મટીરીયલ ચોરાયુ હોવાનું જણાયુ હતું. રૂ.એક લાખ ઉપરાંતનું મટીરીયલ ચોરાતા ઘટના બાબતે વીજેપીએન એન્જિનિયરિંગ કંપનીના જય પ્રકાશ શ્રીધરન નાયરે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ફેન્સીંગ કરેલ ખુલ્લી જગ્યામાં કિંમતી મટીરીયલ મુક્યા પછી તેને સાચવવા યોગ્ય રીતે સિક્યુરિટીની વ્યવસ્થા નહિં કરી હોય ? આ બાબતે પ્રશ્નાર્થ સર્જાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ