વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઘોષિત કરેલ તા.૧૧ થી તા.૧૪ મી એપ્રિલ દરમિયાન “ટીકા ઉત્સવ” થકી કોરોના વિરોધી રસીકરણને વધુ વેગવાન બનાવવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૪૫ વર્ષથી વધુની વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે નાંદોદ તાલુકાના રાજપરા, નવા રાજુવાડીયા ગામ સહિત જિલ્લાના ૨૦૫ જેટલાં વિવિધ કેન્દ્રો ખાતેથી કોવિડ-૧૯ વેક્શીનેશન અભિયાન હાથ ધરાયું છે. આજે તા.૧૪ મી ના રોજ બપોરના ૪:૦૦ વાગ્યા સુધી ૧૮૭૦ જેટલાં નાગરિકોએ રસી લીધી હતી. જિલ્લામાં આજદિન સુધી ૮૪,૭૨૭ નાગરિકોને કોરોના વિરોધી રસી અપાઇ છે. તેની સાથોસાથ જિલ્લાના વિવિધ કેન્દ્રો ખાતેથી RTPCR ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યાં છે.
નાંદોદ તાલુકાના રાજપરા ગામના દિલીપભાઇ જશભાઇ પટેલે કહ્યું હતું કે, આજે મે પણ કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. રસી લીધા બાદ કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી. ૪૫ વર્ષથી વધુ વય ધરાવતા તમામ લોકોએ રસી અવશ્ય લેવી જોઇએ. રસી લેવાથી આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. સરકારીશની માર્ગદર્શિકા અને સૂચનાઓનું અવશ્ય પાલન કરવું જોઇએ. તેવી જ રીતે પારૂલબેન પટેલે જણાવ્યું હતું કે, આજે મે કોવિડ-૧૯ નો પ્રથમ ડોઝ લીધો છે. રસી લીધા બાદ મને અડધો કલાક બેસાડવામાં આવી હતી જેમાં મને કોઇપણ પ્રકારની તકલીફ પડી નથી. કોવિડ-૧૯ ની રસી આપવા બદલ સરકારનો તેમણે આભાર માન્યો હતો.
નવા રાજુવાડીયા ગામના રહીશ અને ખેતીના ધંધા સાથે સંકળાયેલ સતીશભાઇ રાવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, મે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો છે. કોરોના વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે, ખોટી વાતોમાં ભરમાશો નહીં. કોરોના વિરોધી રસી લઇને સમાજ અને પરિવારને સુરક્ષિત રાખીએ. વધુમાં તેમણે કહ્યું કે, રસી લીધા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં, વારંવાર હાથ ધોવા અને ફરજીયાત માસ્ક પહેરવાનું તેમણે જણાવ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા