ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક ખાતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. રજ્યાની અધ્યક્ષતામાં નગરમાં આવેલી મસ્જિદોના સંચાલકો સાથે એક મીટીંગ યોજાઇ હતી. વિશેષ આવતીકાલથી શરૂ થઈ રહેલા રમજાન માસ દરમિયાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ મસ્જીદોમાં કોરોના પ્રોટોકલ મુજબ અમલ કરવા પોલીસ ઇન્સ્પેકટર બી.પી. રજ્યાએ ખાસ અપીલ કરી હતી.
હાલ ચાલી રહેલી કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ તમામ મસ્જિદોમાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ અન્ય સાવચેતી રાખવા જેવી બાબતો પર ખાસ ભાર મૂકી સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા નમાજીઓ પાસે પાલન કરાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોરોના ગાઇડલાઈન બાબતે મસ્જિદોમાંથી એલાન કરાવવા માટે પણ સૂચન કર્યું હતું. તેમજ મર્યાદિત સંખ્યામાં મસ્જિદમાં નમાજીઓ પ્રવેશ કરે એ માટે પણ પોલીસ ઇન્સ્પેકટરે ખાસ અપીલ કરી હતી.
પોલીસ ઇન્સ્પેકટર દ્વારા કરાયેલા સૂચનો બાબતે મસ્જિદના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓએ પણ સહકાર માટે ખાત્રી આપી હતી. આયોજિત મિટિંગમાં નગરની જુમા મસ્જિદ, મક્કા મસ્જિદ, ફૈજે આમ મસ્જિદ, મદીના મસ્જિદ, ગૌસિયા મસ્જિદ, નૂરે મોહમ્મદી મસ્જિદ તેમજ નગરની વિવિધ મસ્જિદોના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા…
યાકુબ પટેલ : ભરૂચ