– વાયરલ વિડીયોમાં એનએસયુઆઇએ વિરોધ નોંધાવ્યો હતો.. સી ડિવિઝન પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો…
– કોઈપણ જાહેરનામાનો ભંગ કરશે તો ચલાવી નહી લેવાય..પી.આઈ
– નર્મદા કોલેજમાં એનસીસી દ્વારા ફેરવેલ પાર્ટીના આયોજન કરી સોશિયલ ડીસ્ટન્સના ઉડયા હતા ધજાગરા.. વિદ્યાર્થીઓ પણ હતા માસ્ક વિનાના..
ભરૂચ જિલ્લામાં કોરોના જેવી ગંભીર મહામારીના કારણે તમામ નાના મોટા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ હોવા છતાં ભરૂચની નર્મદા કોલેજમાં એનસીસી દ્વારા ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વાયરલ વીડિયોના આધારે એનએસયુઆઇના પ્રમુખે આવેદન આપતા સી ડીવીઝન પોલીસે નર્મદા કોલેજના સંચાલકો અને આચાર્ય સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારી સતત ચાલી રહી છે અને શાળા-કોલેજોમાં પણ કોઈપણ જાતના કાર્યક્રમો કરવા નહીં સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન પાલન કરવું છતાં પણ ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીકની નર્મદા કોલેજ એનસીસી દ્વારા ફેરવેલ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ પણ માસ્ક વિના તથા સોશિયલ ડીસ્ટનસના ધજાગરા ઉડાડતા વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા હતા. જે વીડિયોના આધારે ભરૂચ એનએસયુઆઇના પ્રમુખે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે નર્મદા કોલેજ સામે જાહેરનામા ભંગ બદલ આવેદન આપતા સી ડિવિઝન પોલીસે વાયરલ વીડિયોના આધારે નર્મદા કોલેજના સંચાલકો અને આચાર્ય સામે ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.