ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાના વધતા કેસોના કારણે હાલમાં લોકોમાં ડરનો માહોલ છે. જીલ્લાના તાલુકાઓમાં પણ કોરોનાના કેસો વધ્યા છે. ભરૂચના સાસંદ મનસુખભાઈ વસાવાએ ગુજરાતના ડેપ્યુટી સી.એમ નીતીન પટેલ, અને આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીને એક પત્ર લખ્યો છે. જેમાં ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાની સરકારી હોસ્પિટલમાં કોવિડની સારવાર શરૂ નથી થઈ તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં જણાવામા આવ્યુ છે કે ભરૂચ જીલ્લામાં ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં કોવિડની સારવાર થઈ રહી છે. પરંતુ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાની સરકારી હોસ્પિટલમાં વહીવટીતંત્ર દ્વારા વારંવાર સુચના આપવા છતા કોવિડની સારવાર શરૂ કરવામાં આવેલ નથી. જબુંસરની ખાનગી હોસ્પિટલમા સારવાર ચાલે છે પણ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલતી નથી.
વધુમાં પત્રમા તેમને આક્ષેપ લગાવ્યો છે. જંબુસર સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર પોતાની ખાનગી હોસ્પિટલ વડોદરા ખાતે ચલાવે છે અને તેમને સરકારી હોસ્પિટલ ચલાવામાં રસ નથી. ખાનગી હોસ્પિટલ ચલાવામાં રસ છે. તેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલમાં કોવિડની સારવાર શરૂ થાય તે માટે યોગ્ય ઘટતુ કરશો તેવુ લેખિતપત્રમાં જણાવામાં આવ્યુ છે.