વડોદરા જિલ્લાના કરજણ નગરમાં સ્વૈચ્છિક બંધના પગલે પ્રથમ દિવસે નગરના બજારો બપોરે ત્રણ કલાકે બંધ થઈ જતા બજારો સૂમસામ ભાસી રહ્યા હતા. હાલ કોરોના સંક્રમણ વધી જતા કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા તેમજ સતર્કતા દાખવી સુરક્ષિત રહેવા માટે ગતરોજ કરજણ નગર સેવાસદન ખાતે વેપારી મંડળ તેમજ સેવાસદન સત્તાધીશો વચ્ચે એક મીટીંગ આયોજિત થઇ હતી.
જેમાં નગર સેવા સદન સત્તાધીશો દ્વારા નગરના વેપારીઓને હાલ કોરોના સંક્રમણ વધી જતા તારીખ ૧૨ એપ્રિલથી ૩૦ મી એપ્રીલ સુધી વેપારીઓને બપોરના ત્રણ કલાકથી સવારના છ કલાક સુધી પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાઇ હતી.
જેનો પ્રથમ દિવસે વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. બપોરે ત્રણના ટકોરે સેવાસદનની જીપ પણ બજારોમાં ફરતી જોવા મળી હતી. અને વેપારીઓને સ્વૈચ્છિક બંધ કરવા અપીલ કરતી જોવા મળી હતી. આમ કરજણ નગરમાં સ્વૈચ્છિક બંધના એલાનને વેપારીઓએ સારો પ્રતિસાદ આપ્યો હતો.
યાકુબ પટેલ : કરજણ