સમગ્ર રાજ્યની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તંત્ર અને વેપારીઓની સમજૂતીથી રાજપીપળામાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે આગામી 13 એપ્રિલ 2021 મંગળવારથી 15 એપ્રિલ ગુરુવાર સુધી ત્રણ દિવસ રાજપીપળામાં તમામ દુકાનો વેપાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે. રાજપીપળા વિવિધ વેપારી મંડળ, કાપડ એસોસિએશન, સલૂન એસોસિએશન, શાકભાજી એસોસિએશન, સોની સહિત તમામના પ્રમુખો મિટિંગમાં હાજર રહ્યા હતા. હાલ જ્યારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા તાકીદે પ્રાંત અધિકારી કે.ડી. ભગત તેમજ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક, અને રાજપીપળા પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની અધ્યક્ષતામાં રાજપીપળાના જુદા જુદા વેપારી એસોસિયેશનનાં પ્રમુખો સાથે મિટિંગ કરી રાજપીપળામાં આગામી મંગળ, બુધ અને ગુરુ રાજપીપળામાં દુકાનો બંધ રાખી લોકડાઉન પાડવા નિર્ણય લેવાયો છે.
પ્રાંત અધિકારી કે.ડી. ભગતે આ બાબતે જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા રાજપીપળાના તમામ વેપારી મંડળનાં પ્રમુખોને ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન પાડવા અપીલ કરવામાં આવી હતી ત્યારે વેપારીઓનાં સહયોગથી રાજપીપળામાં ત્રણ દિવસ તમામ દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો છે. ઉપરાંત બહાર ગામથી આવતા લોકો વિશે તંત્રને જાણ કરવા પણ તેઓએ અપીલ કરી હતી, ઉપરાંત લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ માસ્ક પહેરવા અપીલ કરી છે.
આરિફ કુરેશી : રાજપીપળા