*ગ્રામ પંચાયતની અપીલને ટેકો આપીને વેપારીઓનો સ્વૈચ્છિક નિર્ણય
ગુજરાત સહિત દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે.શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામીણ સ્તરે પણ સંક્રમણ વધી રહ્યુ છે.ઘણા સ્થળોએ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયો લઇને બજારો બંધ રાખવાના સમાચારો જાણવા મળી રહ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપારડી ગામે ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ પી.સી.પટેલ દ્વારા રાજપારડીનું બજાર સવારના સાતથી લઇને બપોરના બે વાગ્યા સુધી ખુલ્લુ રાખવાની અપીલ કરાતા રાજપારડીના વેપારીઓએ આ અપીલને વધાવી લઇને સ્વૈચ્છિક રીતે બજાર સવારના સાતથી બપોરના બે વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય કરતા નગરની જનતાએ વેપારીઓ દ્વારા વિશાળ હિતમાં લીધેલ નિર્ણયને વધાવી લીધો હતો.આ લખાય છે ત્યારે આવતી કાલે તા.૧૨ મી એપ્રીલના રોજ અમાસ હોવાથી બજારો સ્વૈચ્છિક રીતે સવારથી લઇને આખો દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની વાત વેપારી આલમમાંથી જાણવા મળી છે.તા.૧૩ મી એપ્રિલને મંગળવારના દિવસથી રાજપારડીનું બજાર સાત દિવસ સુધી સવારના સાતથી બપોરના બે સુધી ખુલ્લુ રહેશે,એવો નિર્ણય વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે લેવામાં આવ્યો હોવાનું વેપારી અાલમમાંથી જાણવા મળ્યુ છે.દરમિયાન સરપંચ પી.સી.પટેલે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યુ કે વેપારીઓએ ગ્રામ પંચાયતની અપીલને ટેકો આપ્યો છે.અને બપોર પછી બજાર બંધ હોયતો ગ્રામ પંચાયતને ગામમાં સેનેટાઇઝ કરવાની કામગીરીમાં સુગમતા રહે.ઉલ્લેખનીય છેકે રાજપારડી પંથકમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યુ હોવાનું જાણવા મળ્યુ છે,ત્યારે ગ્રામ પંચાયતની અડધો દિવસ બજાર બંધ રાખવાની અપીલને વેપારીઓ દ્વારા સમર્થન જાહેર કરાયુ તે પ્રસંશનિય વાત ગણાય.દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર ફેરવીને આ બાબતની જાણ કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી