પાનોલી જીઆઈડીસીમાં મેઘા પેટ્રોલિયમ કમ્પાઉન્ડમાં રહેતા સંજયસિંહ રાજપુત આર.એસ સિક્યુરિટી ફોર્સમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. સંજયસિંહના કાર્યક્ષેત્રમાં ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં આવેલ અલગ અલગ કંપનીના મોબાઈલ ટાવરની દેખરેખ રાખવાની કામગીરી છે. ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે આવેલ મોબાઇલ ટાવરની દેખરેખની જવાબદારી પણ સંજયસિંહ પાસે છે. ગઇ તા.૧૫ મી ડિસેમ્બર ના રોજ તલોદરા ખાતેના મોબાઈલ ટાવરના ટેકનિશિયન રોશનભાઈ પટેલે સંજયસિંહને ફોન કરીને જણાવ્યું હતું કે ટાવર ઉપર કંપની દ્વારા જે બેટરી મુકેલ હતી તે ત્યાં જણાતી નથી. ત્યારબાદ સંજયસિંહ તાત્કાલિક તલોદરા ગામે આવ્યા હતા, અને ટાવર પાસે બેટરીની શોધખોળ કરી હતી, પણ તે મળી ન હતી. તપાસ બાદ કુલ ૨૪ નંગ બેટરી ચોરાયાની ખબર પડી હતી. એક બેટરીની કિંમત રૂપિયા ૨૦૦૦ લેખે ચોરાયેલી ૨૪ નંગ બેટરીની કુલ કિંમત રૂ. ૪૮ હજાર થાય છે. કોઇ અજાણ્યા ચોર આ ૨૪ નંગ બેટરી ચોરીને લઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બર માસમાં બેટરીની ચોરી થયા બાદ ચોરી અંગેની પોલીસ ફરિયાદ ચાર માસ બાદ લખાવાતા આ બાબતે આશ્ચર્ય સર્જાયેલુ દેખાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ