રાજ્યમાં એક તરફ કોરોના મહામારી વકરી રહી છે તો બીજી તરફ હવે નાના શહેરોમાં પણ કોરોના મહામારીનાં કારણે લોકોને મુશ્કેલીમાં મુક્યા છે, એક તરફ કોરોનાનાં સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા રાત્રી કરફ્યુની જાહેરાત કરી છે તો બીજી તરફ કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો ચિંતાજનક સ્થિતિ તરફ લઈ જઈ રહ્યું છે.
ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નર્મદાના કાંઠે આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલ આધીન થતી અંતિમ ક્રિયાઓનો સિલસિલો યથાવત છે, છેલ્લા ૨૪ કલાકમાં જ કોવિડ પ્રોટોકોલ આધીન ૧૪ જેટલા મૃતદેહનાં અંતિમક્રિયા કરવામાં આવી છે, કોવિડ સ્મશાનમાં આજદિન સુધી કુલ ૫૫૭ જેટલા મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યા છે.
જ્યાં એક તરફ કોવિડ સ્મશાનમાં મૃતકોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ કોઈ કારણસર તંત્રમાં આ બાબતો અંગેનું અપડેટ નોંધાઇ નથી રહ્યા જે બાબતે પણ લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે, કોરોના કહેર વચ્ચે સ્મશાનની સ્થિતિ પરથી અંદાજો લગાવી શકાય છે કે કોરોનાનાં કહેરમાં ભરૂચ જિલ્લામાં સ્થિતી ચિંતાજનક બની છે.
કોરોનાના કેસોમાં જ્યાં વધારો થયો છે તો બીજી તરફ સરકારી અને ખાનગી લેબોમાં પણ લોકોની લાંબી લાંબી કતારો ટેસ્ટટિંગ માટે જોવા મળી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ જાણે કે ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કહેરનાં ચિંતાજનક આંકડાઓ સામે આવવા લાગતા કોવિડ હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાતી હોવાના વીડિયો વાયરલ થવા લાગ્યા છે, જંબુસરની અલ મહેમુદ હોસ્પિટલમાં દર્દીઓ સ્ટ્રેચર અને ખુરશીઓ પર સારવાર મેળવી રહ્યા હોવાના વાયરલ વીડિયોએ હોસ્પિટલમાં કોવિડ મામલે સ્થિતિ સારી ન હોવાની સાબિતી આપી છે.
ભરૂચ જિલ્લામાં વધતા કોરોનાનાં સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોએ પણ હવે આ સંક્રમણને અટકાવવા સાવેચતી રાખી બહાર નીકળવા સાથે માસ્ક, સેનેટાઈઝર અને સામાજીક અંતર જેવી તમામ બાબતોની કાળજી લેવી ખૂબ જરૂરી બની છે.