ગુજરાતમાં કોરોના સંક્રમણ પુનઃ વધી જતા સરકારના આદેશ મુજબ ધોરણ ૧ થી ૯ સુધીના છાત્રોનું શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ થતા સાંસરોદ શાળા સુમસાન બનવા પામી હતી. ગત વર્ષે કોરોના મહામારીના પગલે માર્ચ માસમાં સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરાતા સમગ્ર વહેવાર ઠપ થઈ જવા પામ્યો હતો. જેમાં શાળાઓમાં પણ શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોના સંક્રમણ ઘટતા અગિયાર માસના લાંબાગાળા બાદ શાળાઓના પ્રવેશદ્વાર પુનઃ ખુલ્યા હતા.
પરંતુ છેલ્લા થોડા દિવસોથી પુનઃ કોરોના મહામારી વધવા માંડતા સરકાર દ્વારા પાંચમી એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧ થી ૯ સુધીની ખાનગી તેમજ સરકારી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. સરકારના આદેશના પગલે કરજણ તાલુકાના સાંસરોદ ગામની શાળામાં ધોરણ ૧ થી ૯ સુધીનું શિક્ષણ કાર્ય સંચાલકો દ્વારા બંધ કરવામાં આવ્યું છે.
મિડીયા કર્મીઓએ શાળાની મુલાકાત લેતા ધોરણ ૧ થી ૯ સુધીના વર્ગો બંધ નજરે પડ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ વિના શાળા સુમસાન નજરે પડી હતી. હાલ તો સરકારના આદેશના પગલે ધોરણ ૧ થી ૯ સુધીનું શિક્ષણ કાર્ય બંધ થવા પામ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે છાત્રોથી ધમધમતી શાળાઓ પુનઃ ક્યારે ખુલશે તે તો આવનારો સમય જ બતાવશે.
યાકુબ પટેલ : કરજણ