જંબુસર તાલુકાનાં અણખી ગામે બીડ વગો તથા ટીબી વગામાંથી પસાર થતી ઉચ્છદ માઇનોર કેનાલમાં લીકેજનાં કારણે ખેડૂતોનાં ઉભા પાકને અને અવરજવરનાં માર્ગો બંધ થતાં ધરતીપુત્રો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
નર્મદા નહેર વિભાગ દ્વારા જંબુસર તાલુકામાં બનાવવામાં આવેલી નહેરો તકલાદી અને લેવલ વગર બનાવવામાં આવી હોય ધરતીપુત્રો દ્વારા વખતો વખત બૂમો ઉઠવા પામતી હોય છે. નહેર વિભાગના અધિકારીઓની અણઆવડતને કારણે ધરતીપુત્રોના મોંઘા મોલ પાકને પારાવાર નુકશાન થતું હોય છે. જંબુસર તાલુકાનાં અણખી ગામના બીડ વગો અને ટીબી વગામાં આશરે ૬૦૦ એકર જમીન આવેલી છે જ્યાંથી ઉચ્છદ માઇનોર પસાર થાય છે જેનું તકલાદી અને લેવલ વગરની કામગીરીને કારણે નહેરમાં ઠેરઠેર તિરાડો પડી જવા પામી છે. તિરાડો પડવાને કારણે નહેરના પાણી આ વિસ્તારનાં ખેતરોમાં પાણી ભરાવા તથા ખેડુતોના અવરજવરના માર્ગે પણ પાણી ભરાઈ જતા ધરતીપુત્રોને પારાવાર નુકસાન પહોંચે છે. આ બાબતે આ વિસ્તારના ખેડૂતોએ નહેર ખાતાના અધિકારીને વારંવાર રજુઆત કરેલ ત્યારબાદ તિરાડો પર ઢંગધડા વગરના થીંગડા મારવામાં આવે છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ ખેડૂતો ઈચ્છી રહ્યા છે, જો આ સમસ્યાનો ઉકેલ નહી આવે તો ધરતીપુત્રો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ : જંબુસરમાં તૂટેલી કેનાલોથી ખેડુતો મુશ્કેલીમાં, નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી…
Advertisement