જંબુસર નગરના રેલ્વે ફાટક સાત ઓરડી પાસે ઘણા સમયથી મસમોટા ખાડા પડી ગયા હોય રેલ્વે તંત્ર તે બાબતે ઉદાસીનતા દાખવતું હતું જેને નગરપાલિકાની નવી બોડીએ આ ખાડા વ્યવસ્થિત સરખા કરવાનું કામ હાથ ધરતાં વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જંબુસર સાત ઓરડી રેલવે ફાટક પાસે ઘણા સમયથી મસમોટા ખાડા પડી ગયા હતા જેને લઇ વાહન ચાલકોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડતો હતો તથા ઘણી વખત ટુવ્હીલરો પડવાના અકસ્માતો બનાવતાં હતાં, રેલ્વે તંત્રને આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાંય તેમના પેટનું પાણી હાલતું નહોતું તાલુકાની જનતાને વડોદરા તરફ જવાનો આ એક માર્ગ છે તથા આ રોડ પરથી તારાપુર બોમ્બે જતો ટ્રાફિક પણ ઘણી મોટી સંખ્યામા પસાર થતો હોય છે જે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
આ બાબતે તાલુકાના અગ્રણી નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈએ જંબુસર નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારોને રજૂઆતો કરતા જનતાની સમસ્યાઓ ધ્યાને લઈ જેસીબી દ્વારા આ મસમોટા પડી ગયેલા ખાડાઓ સમતળ કરવાની સમારકામ કાર્યવાહી હાથ ધરી હતી જેને લઇ વાહનચાલકોમાં ખુશીની લહેર જોવા મળતી હતી. રેલવે તંત્ર દ્વારા ચોમાસા પહેલા આ રોડ પર પડી ગયેલા ખાડા અંગે નક્કર આયોજન કરવામાં આવે તેવી નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પટેલ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નવીન બનેલ નગરપાલીકાની બોડીએ જંબુસર નગરની પ્રાથમિક સુવિધાઓ પરત્વે ધ્યાન દોરી સમસ્યાઓનો નિકાલ કરવાનો પ્રયત્નો હાથ ધર્યા તે સરાહનીય બાબત છે. ખાડાઓના સમારકામ દરમ્યાન તાલુકા અગ્રણી નીતિનભાઈ પટેલ પ્રણવભાઈ પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશભાઈ પટેલ સહિત નગરપાલિકા સદસ્યો હાજર રહ્યાં હતાં.