બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચનાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલ ખાતે ગત રાત્રીના સમયે કોવિડ પોઝીટિવ દર્દીનું મોત નિપજતા તેઓના મૃતદેહનાં કોવિડ પ્રોટોકોલ તેમજ PPE કીટ પહેરાવ્યા વિના પરીવારને સોંપવામાં આવતા મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો.
મૃતકનાં પરિવારજનોએ હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા હતા કે તેઓના દર્દી જે એક કોવિડ પોઝીટિવ છે તેમ છતાં પરિવાર જનો કે આસપાસમાં ઉભેલા લોકોની સુરક્ષા જોખમાય તેવી રીતે મૃતદેહને હોસ્પિટલમાંથી PPE કીટ ન પહેરાવી કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરી તેઓને સુપ્રત કરવામાં આવ્યું હતું, જેને લઇ પરિવારજનોએ હોસ્પિટલ સત્તાધીશો સામે રોષ વ્યકત કરી મામલા અંગેનો વીડિયો બનાવી વાયરલ કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.
તો હોસ્પિટલ સત્તાધીશોએ સમગ્ર મામલા અંગે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે જે દર્દી તેઓની હોસ્પિટલ ખાતે આવ્યો હતો તે ભરૂચની વિવિધ હોસ્પિટલમાં જઈને ત્યારબાદ તેઓને ત્યાં આવ્યા હતા અને માત્ર ૧૦ મિનિટ માટે જ તેઓએ હોસ્પિટલમાં એન્ટ્રી લીધી હતી જ્યાં તેઓનું મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો.
હાલ સમગ્ર મામલા અંગે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાયદેસરની કાર્યવાહી થઇ નથી. પરંતુ મૃતકના પરિવારજનો દ્વારા ઘટના ક્રમ અંગેના વીડિયો વાયરલ કરવામાં આવતા અને હોસ્પિટલની બેદરકારી દર્શાવવામાં આવતા મામલો સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે.