ભરૂચ જિલ્લામાં કોરોનાના પોઝીટિવ કેસોનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી રોજના ૧૫ થી ૨૦ કેસોએ જ્યાં એક તરફ તંત્રને દોડતું મૂક્યું છે તો બીજી તરફ લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી હોય તે પ્રકારની સ્થિતીનું સર્જન થવા જઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં પોઝીટિવ કેસોનો આંકડો ૨૦૦ નજીક પહોંચ્યો છે, અનેક લોકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી સાજા થયા છે, ત્યારે ફરી એકવાર કેસોમાં વધારો નોંધાતા લોકોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે, તો તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને અંકલેશ્વરની ESIC હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાય એવી શકયતા શરૂ થઇ છે, જેમાં હોસ્પિટલમાં સાધન સહિતના મુદ્દે તંત્ર દ્વારા સર્વે પણ શરૂ કરાયો છે.
મહત્વનું છે કે કોરોનાની પ્રથમ લહેરમાં અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ હતી ત્યાર બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઉચકતા હવે તંત્ર દ્વારા હોસ્પિટલો શરૂ કરવા તરફ ધ્યાન આપ્યું છે.
તો બીજી તરફ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં પણ મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા, તંત્ર દ્વારા તૈયાર થયેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનનાં અત્યાર સુધી ૫૧૦ થી વધુ લોકોના કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમક્રિયા કરવામાં આવી છે પંરતુ કોઈ કારણસર તંત્રમાં આંકડો હજુ અપડેટ થયો નથી તેમ જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લામાં વધતા કોરોનાનાં સંક્રમણ સામે લોકોએ પણ સંયમ સલામતી રાખવી ખૂબ જરૂરી બની છે. માસ્ક, સામાજીક અંતર સહિત કામ વગર ઘરની બહાર કે ભીડભાડવાળા વિસ્તારોમાં જતા અટકાવવું જોઈએ તો જ કોરોનાની આ ચેનને રોકી શકાય તે પ્રકારની સ્થિતીનું સર્જન થયું છે, લોક જાગૃતિએ સલામતી તે જ સમયની પણ માંગ છે.