પંચમહાલ જિલ્લા સહકારી મંડળીના જિલ્લા રજીસ્ટ્રારની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા નાણાં ધીરધાર કરનારાઓ બાબતના અધિનિયમ-2011 ની સત્તાઓ બાબતે ધીરધારના નવા વ્યાજદર બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં નાણાં ધીરધાર કરનારાઓ અધિનિયમ-2011 નો અમલ વધુ સારી રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારે તારીખ 6-02-2021 ના જાહેરનામાથી આ અધિનિયમની સત્તાઓ જે-તે જિલ્લાના જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને સોંપી છે.
આ જોગવાઈ મુજબ રાજ્યમાં પરવાના વિના નાણાં ધિરધાર કરવાનો ધંધો કરવો ગુનો બને છે, લાયસન્સ વિના ધંધો કરનાર વ્યક્તિ સામે કાયદાની જોગવાઇ મુજબ બે વર્ષ સુધીની કેદ અને રૂપિયા 25,000 સુધીના દંડની સજા થઈ શકે છે. રાજ્ય સરકારે અધિનિયમની જોગવાઈ હેઠળ ધિરાણ કરેલ નાણાની રકમ ઉપર લેવા પાત્ર થતા વ્યાજના મહત્તમ દરો પણ નિયત કર્યા છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તારીખ 13-01-2021 ના જાહેરનામા મુજબ નાણાં ધીરધાર કરનાર કોઈ પણ વ્યક્તિ તારણ ઉપર આપેલ ધિરાણ ઉપર 12 ટકા તથા તારણ વગર આપેલ ધિરાણ ઉપર 15 ટકા નિયત કરેલું વ્યાજ વસૂલ કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા વ્યાજદરથી વધુ વ્યાજ વસૂલ કરનાર વ્યક્તિને કાયદાની જોગવાઇ મુજબ બે વર્ષની સુધીની કેદ અને 25000 સુધીનો દંડ થઈ શકે છે, પંચમહાલ જિલ્લામાં જો કોઈ વ્યક્તિ લાઇસન્સ વિના કે રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ વ્યાજથી વધુ વ્યાજે નાણાં ધીરતા હોય તો તેની રજૂઆત જિલ્લા રજિસ્ટ્રારને કરી શકાશે.
પંચમહાલ રાજુ સોલંકી