વર્ષ 1930 માં મહાત્મા ગાંધી દ્વારા બ્રિટીશરો વડે મીઠા ઉપર લાદવામાં આવેલ કરનાં વિરુદ્ધ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ કરવા માટે અહિંસક નાગરિક અસહકાર કૂચ કરવામાં આવી જેને ” દાંડી સત્યાગ્રહ ” અથવા ” દાંડીકૂચ ” કહેવાય છે. આ ” દાંડીકૂચ ” મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવી હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના લગભગ ૭૯ વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી ૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાંખ્યો.
ભારતની આઝાદી પાછળ ગાંધીજી અને અન્ય ઘણાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન તથા વિવિધ સત્યાગ્રહોએ અગત્યનો ભાગ ભજવ્યો છે. બે મહિના સુધી ગાંધીજીએ આ સત્યાગ્રહ ચાલુ રાખ્યો હતો અને દરેક ભારતીયને મીઠાનો કાયદો તોડવા અનુરોધ કર્યો હતો, વર્ષના અંત સુધીમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ સહિત હજારો સત્યાગ્રહીઓની ઘરપકડ થઈ હતી. ત્યારબાદ લાંબા સમય બાદ બ્રિટીશરોએ મીઠા પરથી કર ઉઠાવ્યો અને ભારતીય મીઠાનું ઉત્પાદન અને વ્યવસાય કરવા સ્વતંત્ર બન્યા. ભારતના ઇતિહાસમાં બ્રિટીશરો વિરુદ્ધ અન્યાય વિરોધી અહિંસાના આંદોલન રૂપે કરેલ આ સત્યાગ્રહે લોકોના મનમાં તેની અમીટ છાપ છોડી હતી.
અંકલેશ્વર ખાતે દાંડી યાત્રીઓએ ૨૬ મી માર્ચ ૧૯૩૦ના રોજ રાત્રિ રોકાણ કર્યું હતું અને મહાત્મા ગાંધીજીએ જનતાને સંબોધન કર્યું હતું . તેની સાક્ષી પૂરતી તકતી આજે પણ વિદ્યમાન છે. જેમાં લખ્યું છે : ” તા. ૨૬મી માર્ચ ૧૯૩૦, કર્મનિષ્ઠ, સિદ્ધાંતપ્રિય અને જાહેર જીવનમાં મૂલ્યોની સ્થાપના કરનાર મહાત્મા ગાંધીજીએ અહીં ભાષણ કર્યું હતું .”
સમગ્ર ભારતમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ ૧૨ મી માર્ચ ૨૦૨૧ ના રોજ દાંડી યાત્રાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તે દાંડી યાત્રીઓ અત્રેની દાંડી પથ પર આવેલી શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ અને કોમર્સ કોલેજ નજીકથી પસાર થતાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રવીણકુમાર બી. પટેલ તથા ડો. જયશ્રી ચૌધરી અને કોલેજના કર્મચારી ગણ તથા એન. એસ. એસ. ના સ્વયંસેવકોએ દાંડી યાત્રીઓનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું હતું અને તેમના પર પુષ્પવર્ષા કરી હતી. ” ગાંધીજી અમર રહો, દાંડીયાત્રા અમર રહો ” ભારત માતા કી જય “, “આઝાદી અમર રહો ” …જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
પ્રોગ્રામ ઓફિસર અને એન. એસ. એસ.ના સ્વયંસેવકો કૉલેજથી આમલાખાડી સુધી દાંડી યાત્રીઓ સાથે જોડાયાં હતાં .
અંકલેશ્વર : આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત દાંડી યાત્રાનું અંકલેશ્વરમાં આગમન થતાં દાંડી યાત્રીઓનું ફૂલો દ્વારા સ્વાગત કરાયું.
Advertisement