સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત બી.આર.સી. ઓલપાડ પ્રેરિત બે દિવસીય પ્રજ્ઞા શિક્ષક તાલીમ વર્ગ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મંદરોઇ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ આયોજીત આ તાલીમ વર્ગમાં ક્લસ્ટર સંલગ્ન ૧૨ પ્રાથમિક શાળાઓના પ્રજ્ઞા શિક્ષકોએ કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાને સંપૂર્ણ અનુસરીને સહર્ષ ભાગ લીધો હતો. સદર તાલીમવર્ગ ઓન ઍર અને ઓફ ઍર પૂરા દિવસના સમયપત્રક મુજબ યોજાયો હતો.
પ્રથમ દિવસે તાલીમવર્ગના તજજ્ઞ કલ્પનાબેન દલપતભાઈ પટેલ (સાંધિયેર પ્રાથમિક શાળા) એ તાલીમાર્થીઓનો પરિચય મેળવી તાલીમની પ્રસ્તાવના રજૂ કરી હતી. તાલીમવર્ગના બંને દિવસોએ ઓન ઍર કાર્યક્રમ મુજબ તજજ્ઞો દ્વારા પ્રજ્ઞા અભિગમ સાથે સંબંધિત મહત્વના મુદ્દાઓ જેવા કે પ્રારંભિક ભાષા શિક્ષણ અને સાક્ષરતાના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો, પ્રજ્ઞા વર્ગખંડ ગોઠવણી, સમૂહકાર્ય ૧ અને ૨, વાર્તાકથન, બાળગીત તથા ચિત્ર પર ચર્ચા, મૌખિક ભાષા વિકાસની રમતો, સામૂહિક વાંચન, વાંચન કૌશલ્યની વ્યૂહરચના, પ્રજ્ઞા સાહિત્ય, અભ્યાસકાર્ડ અને તેના ચિન્હો ઉપરાંત વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટરમાં નોંધ વિગેરેની વીડિયો ક્લિપ સાથે સમજણપૂર્વકની ચર્ચા હાથ ધરવામાં હતી.
તાલીમવર્ગના બીજા દિવસે અંતિમ શેષનમા તજજ્ઞ કલ્પનાબેન પટેલે શૈક્ષણિક મૂંઝવણ તથા વહીવટી કાર્ય અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ સાથે તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તાલીમવર્ગના સંચાલક વિજયભાઈ પટેલ ( સી.આર.સી. કરંજ ) એ તાલીમવર્ગને સફળ બનાવવા તેમજ જરૂરી સહકાર આપવા બદલ શાળાના આચાર્ય નગીનભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઓલપાડની મંદરોઇ પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા અભિગમ અંતર્ગત સી.આર.સી. કક્ષાનો બે દિવસીય તાલીમ વર્ગ યોજાયો.
Advertisement