કોરોના મહામારીના કારણે દેશના મોટા ભાગના શહેરોમાં હાલત ચિંતાજનક સ્થિતિમાં મુકાઇ છે, ગુજરાતમાં પણ મહાનગરો બાદ હવે નાના શહેરોમાં કોરોનાની સ્થિતિનાં બીજા ચરણનાં કેસોમાં દિન પ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં પણ કોરોનાનાં કેસો જાણે કે દિવસેને દિવસે વિસ્ફોટક સ્થિતિ તરફ જઇ રહ્યા છે, ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 3925 જેટલા પોઝીટીવ કેસો નોંધાઇ ચુક્યા છે, જેમાં 3752 જેટલા લોકોએ કોરોનાને મહાત આપતા હાલ 141 જેટલા એક્ટિવ કેસો સામે આવ્યા છે, તો તંત્રનાં સત્તાવાર આંકડા મુજબ 32 લોકોએ કોરોનાનાં કારણે જીવ ગુમાવ્યા છે.
ભરૂચ આરોગ્ય વિભાગ સહિતનું વહીવટી તંત્ર કોરોના મામલે આંકડા છુપાવવાના પ્રયાસ કરી રહ્યા હોવાની બાબતો પણ ચર્ચામાં આવી છે, રોજના કેસોમાં વધારો થઇ રહ્યો છે તેમ છતાં તંત્ર અર્ધાં જ કેસો બતાડી રહ્યું છે, સાથે સાથે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ સ્મશાનમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં 15 કેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, કોવિડ સ્મશાનમાંથી સામે આવ્યા આંકડા મુજબ અત્યાર સુધી કોવિડ પ્રોટોકોલ સાથે આ સ્મશાનમાં 496 જેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
જો કોવિડ સ્મશાનનાં આંકડાઓ ચિંતાજનક વધી રહ્યા છે તો અહીંયા સવાલ એ થાય છે કે તંત્ર કેમ મૃતકોના આંકડા છુપાવી રહ્યું છે ? શું કોવિડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં 6 અંતિમ સંસ્કાર થયા તે કોવિડના દર્દીઓ ન હતો ? અને હોય તો તંત્ર આંકડા લોકો સમક્ષ મુકતા કેમ અચકાઈ રહ્યું છે? તેવા ગંભીર સવાલો હાલ આ પ્રકારની કોવિડ સ્મશાનમાંથી ઉપજી આવેલ સ્થિતિ બાદથી તંત્ર સામે ઊભા થયા છે, તો સમગ્ર બાબત લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.