ઉમરપાડા તાલુકાના જૂના ઉમરપાડા ગામ સ્થિત શહીદ દિગ્વિજયસિંહ વસાવાનાં સ્મારક ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરપાડાના વીર શહીદ સૈનિક દિગ્વિજયસિંહ વસાવાના સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વીર શહીદ સૈનિક દિગ્વિજયસિંહ વસાવાના માતા રાધાબેનનું શાલ ઓઢાડીને નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કમલેશભાઈ ભરવાડ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
કોલેજના પ્રાધ્યાપક ડો.હિમાંશુ મહેતાએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિતના વીર શહીદ સપૂતોના બલિદાનને સત સત નમન કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભારતદેશ વીરોની ભૂમિ છે અહીં કાયરો પેદા થતા નથી ઉમરપાડાની ભૂમિ વીરની ભૂમિ છે. શાળાના આચાર્ય પ્રવીણભાઈ ચૌધરીએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે ઉમરપાડાનો શહીદ સૈનિક દિગ્વિજયસિંહ વસાવા મારો વિદ્યાર્થી હતો. તેના બલિદાનઅને શહાદતને યાદ કરતા-કરતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી.
આ કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાના સભ્યો, કોલેજના વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક પ્રકાશ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.