માંગરોળ તાલુકાનાં વડોલી ગામનાં સેવાભાવી ખેડૂતે ખેતરમાંથી ઘઉંનો પાક નીકળતા ગામના તમામ આદિવાસી ગરીબ પરિવારોને મફત ઘઉંનું વિતરણ કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી છે.
વડોલી ગામના સેવાભાવી ખેડૂત ભલાભાઇ ઉર્ફે હેમંતસિહ બળવંતસિંહ મહિડાએ હાલની કારમી મોંઘવારીનાં સમયમાં મુશ્કેલીમાં મુકાયેલા વડોલી ગામનાં તમામ આદિવાસી પરિવારોને ઘઉંનું વિતરણ કરી ગરીબોને મદદરૂપ થવાની સમાજને પ્રેરણા પૂરી પાડી છે. તેઓએ પોતાના ખેતરમાં કૃષિ પાક ઘઉંની વાવણી કરી હતી, ખેતરમાં પાક તૈયાર થઇ જતા પાકને ખેતરમાંથી બહાર કાઢવામાં આવતા તેમણે ગરીબ લોકોની સ્થિતિનો વિચાર કરી તમામને મદદરૂપ બનવાનો સંકલ્પ કરી કૃષિ પાક ઘઉંનું ગરીબોના ઘર સુધી પહોંચી વિતરણ કરી દીધું હતું. કોરોના કાળનાં કારણે ખાસ ગ્રામ્ય વિસ્તારના ગરીબ આદિવાસી લોકોની સ્થિતિ ખૂબ કફોડી છે, મોંઘવારીએ માઝા મૂકી છે આવા સંજોગોમાં ગરીબોને અનાજની મદદ મળતાં તેઓની આંખો ખુશી છલકાઈ ઊઠી છે.