નેત્રંગ તાલુકામાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નેત્રંગની જનતામાં વધતા જતા કેસોને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામોમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે.
નેત્રંગ તાલુકાના નવી જામુની અને આંબાડુંગરી ખાતે કોરોનાનો પગ પેસારો. નવી જામુની ખાતે ૧૩ વર્ષીય વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત થઈ છે આ વિદ્યાર્થીની કઇ શાળામા અભ્યાસ કરે છે તે ખબર પડી નથી, આરોગ્ય વિભાગ દ્વારા જો વિદ્યાર્થીનીનો અભ્યાસ ચાલુ હોયતો જે-તે શાળા પર આરોગ્ય વિભાગની ટીમ મોકલી અનય બાળકોની તપાસ હાથ ધરવી તાત્કાલિક જરૂરી છે. જ્યારે આંબાડુંગરી ખાતે પતિ-પત્ની કોરોનાથી સંક્રમિત થયા છે. પી.એચ.સી ચાસવડ ખાતે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્રણેય પોઝિટિવ વ્યક્તિઓને આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ટાઉન સહિત તાલુકામાં અત્યાર સુધીમાં આઠથી નવ જેટલા કેસો થઇ ગયા છે જેને લઇને આવનારા દિવસોમાં આ કોરોના વાયરસ તાલુકામાં વધુ લોકોને પોતાની ઝપેટમાં લે તે પહેલાં જ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે. તેમજ પ્રજા પણ પોતાની નૈતિક ફરજ સમજે તે ખાસ જરૂરી.