ભરૂચ જિલ્લામાં જાણે કે બે નંબરી તત્વોને પોલીસનો ખોફ જ ન હોય તેમ એક બાદ એક સામે આવતા વાયરલ વીડિયો ઉપરથી કહી શકાય તેમ છે, ગતરોજ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં જાહેરમાં આંકડાનો જુગાર રમાડવામાં આવતો હોવાની ઘટના સામે આવી હતી જે ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી તેવામાં અન્ય એક વાયરલ વીડિયોએ પોલીસ સામે સવાલો ઉભા કર્યા છે.
વાગરા ખાતે બસ સ્ટેન્ડ નજીક આવેલ એક દુકાનમાં વરલી મટકાનાં જુગારનાં આંકડા લખાવવા માટે જાણે કે લાઈન પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં દુકાનની અંદરનાં ભાગે ધોળે દિવસે જાહેરમાં બે વ્યક્તિઓ હાથમાં કાગળ અને પેન લઇ નજરે પડે છે તો સામે શું મહિલાઓ કે શું પુરુષો તમામ આંકડા લખાવવા આવ્યા હોય તેમ નજરે પડી રહ્યા છે, કોઈક કહે છે, મારી ડૂરી લખી લો તો કોઈક કહે છે મારું પહેલું લખી લ્યો, આ પ્રકારના વીડિયોએ વાગરા પોલીસ સામે પણ સવાલો ઉભા કર્યા છે.
મહત્વની બાબત એ છે કે જાહેરમાં બિંદાસ અંદાજમાં ચાલતા આ પ્રકારના અડ્ડાઓ ઉપર કોના આશીર્વાદ હશે કે આવા બે નંબરી વ્યવસાય લર્ટ તત્વો આટલો હદે બફામ બની પોલીસની કામગીરીની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે કે પછી પોલીસ બધું જાણીને પણ ચૂપ છે, શું આવા તત્વોને હપ્તા લઇ છૂટો દોર આપવામાં આવ્યો છે, આ તમામ પ્રકારના સવાલો હાલ પોલીસ સામે ઊભા થયા છે, ત્યારે હવે જોવું રહ્યું કે આ અહેવાલ બાદ આખરે પોલીસ વિભાગ ક્યારે આ પ્રકારના તત્વો સામે લાલ આંખ કરી એકશન મોડમાં આવે છે.