સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર જોવા મળ્યો છે ત્યારે દેશમાં સફાઈ કર્મી, નર્સ, ડોકટર, શિક્ષક દરેકને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરી વેકસીનેશન કરાયું છે પરંતુ પત્રકારોને કોરોના વોરિયર્સ ન માનવમાં આવતા અને વેકસીનેશન ન કરતાં આજે ભરૂચ પત્રકાર એસોસિએશનનાં સભ્યો દ્વારા કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવનારી 18 માર્ચથી અચોક્કસ મુદ્દત માટે ધરણાં કાર્યક્રમ યોજાશે છેલ્લા એક વર્ષથી પત્રકારો જીવનું જોખમ ખેડીને કોરોનાનું કવરેજ કરી રહ્યા છે છતાં પણ સરકાર દ્વારા પત્રકારોને કોરોના વોરિયર્સ ગણવામાં આવ્યા નથી અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તરીકે આજદિન સુધી વેક્સિન અપાઈ નથી. ગુજરાતમાં ઘણા પત્રકારો કોરોનાથી મૃત્યુ પામ્યા છે જેમને સરકાર દ્વારા કોઇપણ સહાય અપાઈ નથી તો જ્યાં સુધી પત્રકારોને કોરોના વોરિયર્સની વ્યાખ્યામાં સમાવી વેક્સિનની સાથે કોરોનાથી મૃત્યુ થયે સહાયની જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ધરણાં પર બેસવા માટે આજરોજ ભરૂચ જિલ્લાના પત્રકારોએ કલેકટરને આવેદન આપીને અચોક્કસ મુદ્દત માટે ધરણાં પર બેસવા માટે આવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા એક વર્ષમાં ઘણા પત્રકારોના કોરોનાનાં કારણે મોત થયા છે એમના પરિવાર માટે સહાયની કોઈ યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવે અને પત્રકારોને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આવે તેમજ તમામ પત્રકારોને વહેલી તકે કોરોના વેક્સિન આપવામાં આવે તે માટે આજ રોજ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને સોશ્યલ મીડિયામાં #vaccineforjournalist નામથી કેમ્પેનને પણ આગળ ધપાવવાની નેમ લીધી હતી.
યાકુબ પટેલ : ભરૂચ