સુરત ખાતે 40 મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2020-21 નું આયોજન થયું હતું. જેમાં મૂળ ભરૂચના મહંમદપુરા ખાતે હબીબ પાર્કમાં રહેતા રમત પ્રેમી મુનાફ પઠાણના પુત્રી લાયમાખાનએ પણ ભાગ લીધો હતો. યુવતીઓ માટેની આ સ્પર્ધામાં ગુજરાતમાંથી અન્ય ગર્લ્સ સ્કેટરોએ પણ ભાગ લીધો હતો. જેમાં લાયમાખાનએ 500 મીટરમાં ગોલ્ડ મેડલ, 1000 મીટર રિંક રેસમાં સિલ્વર અને રોડ રેસ ઓન લેપમાં પણ સિલ્વર મેડલ મેળવી ભરૂચને ગૌરવ અપાવ્યું છે.
લાયમાખાનના પિતા મુનાફ પઠાણ પહેલેથી જ રમત ગમતને વરેલા છે. તેઓ બાળકો અને યુવાનો રમત ગમતમાં પોતાનું કૌવત બતાવી શકે તે માટે બી ફોર યુ સ્પોર્ટ્સ નામથી એક સંસ્થાની ચલાવે છે. તેમના કહેવા મુજબ લાયમાખાન નાની હતી ત્યારે થોડી બોડી વધારે હતી એટલે તેઓ તેને જીએનએફસીના મેદાનમાં દોડવા લઈ જતા. જ્યાં બાળકોને સ્કેટિંગ કરતા જોઈ તેને પણ સ્કેટિંગ કરવાની ઈચ્છા થઈ અને ત્યાંથી સ્કેટિંગની શરૂઆત થઈ હતી. લાયમાએ સતત સ્કેટિંગની પ્રેક્ટિસ કરી જિલ્લા કક્ષાએ સફળતા મેળવી હતી. જોકે રાજ્ય કક્ષાએ વડોદરામાં એક વખત નિષ્ફળ ગયા બાદ તેને વધુ પ્રેક્ટિસ હાથ ધરી હતી. દરમ્યાન કોરોના મહામારીમાં બધું ઠપ્પ થઈ જતા તેની પ્રેક્ટિસ ઉપર પણ બ્રેક લાગી હતી. કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં જ લાયમએ ફરી સ્કેટિંગની પ્રેક્ટિસ શરૂ કરી સખત મહેનત કરી રાજ્યકક્ષાએ સફળતા મેળવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા બાદ લાયમાખાન ચંદીગઢના મોહાલી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંદર 17 ની સ્કેટિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.