આજે શિવરાત્રિનું પર્વ ઠેરઠેર મનાવવામાં આવી રહ્યુ છે. શિવરાત્રિ એટલે હિન્દુ ધર્મની ભાવના અને ભગવાન શિવની આરાધનાનો દિવસ ગણાય છે. મહાશિવરાત્રીના દિવસે શીવભક્તિ અને પૂજા માટે રાત્રિનું જાગરણ અને ઉપવાસનો મહિમા છે. શિવભક્તો શિવરાત્રિએ ભોળાનાથની કૃપા પામવા માટે શિવમગ્ન બને છે.
આજે મહાશિવરાત્રીના દિવસે ઝઘડિયા તાલુકામાં ધામધૂમથી મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકામાં આવેલ શિવાલયોમાં હોમાત્મક યજ્ઞ તેમજ અભિષેક કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી હતી. શિવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે શ્રી જગન્નાથ મહાદેવ સેવા સમિતિ તથા રાણીપુરા ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે અમરનાથ મહાદેવની પ્રતિકૃતિ સમા બરફના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી.
રાણીપુરા ખાતે બર્ફાની બાબાના દર્શન માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. ઝઘડિયા નજીકના સર્પેશ્વર, વાઘેશ્વર, દુધેશ્વર, અનરકેશ્વર, લિબેશ્વર મહાદેવ ખાતે પરંપરાગત રીતે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના બજારોમાં શિવરાત્રિ નિમિત્તે શક્કરીયાં અને બટાકાનું વેચાણ થતું જોવા મળ્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ