ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે એક ઈસમે અન્ય એક યુવકને તમે ભાજપમાં બહુ પ્રચાર કરો છો, જરા માપમાં રહેજો, તેમ કહીને તેની સાથે ઝપાઝપી કરીને માર માર્યો હોવા બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.
આ અંગે મળતી વિગતો મુજબ તાલુકાના ગોવાલી ગામે રહેતા આર્યન કુમાર અલ્પેશભાઈ પટેલ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરે છે. ગતરોજ સાંજના સમયે આર્યન તથા તેનો મિત્ર રાહુલ તેમની કન્ટ્રકશનની ઓફિસ બંધ કરતા હતા તે દરમિયાન ગોવાલી ગામના હરેશ મગનભાઈ પાટણવાડીયા નામના ઇસમે ત્યાં આવીને કહ્યુ હતું કે આજકાલ તમે ભાજપનો બહુ પ્રચાર કરો છો, જરા માપમાં રહો, ત્યારે આર્યને જણાવેલ કે અમારે કયા પક્ષમાં રહેવું અને કોનો પ્રચાર કરવો એ અમારો વિષય છે. જેથી હરેશ પાટણવાડીયાએ એકદમ ઉશ્કેરાઇ જઇને આર્યન સાથે ઝપાઝપી કરી તેને ઢીકાપાટુનો માર મારી ખરાબ ગાળો દીધી હતી અને જણાવતો હતો કે તારા પિતા ભલે ગમે તે હોય મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. હું તને તારા પિતાને છોડીશ નહીં, અને તમને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી અને કહેતો હતો કે તમને ખોટી રીતે પોલીસ કેસ કરી પકડાવી દઈશ. આર્યન તથા તેનો મિત્ર રાહુલ તેની સાથે વધારે કોઈ બોલાચાલી ન કરતાં ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ હરેશ પાટણવાડીયા ફરીથી આર્યનના ઘરે આવી બોલાચાલી કરીને ઝઘડો કરવા લાગ્યો હતો અને તેણે ફોન કરી તેના માણસોને બોલાવી લેતા એક ફોરવ્હીલ ગાડી પણ આવેલી હતી. આ સમય દરમિયાન ફળિયાના ઘણા માણસો ભેગા થઈ જતા હરેશ પાટણવાડીયા જતા જતા કહેતો હતો કે આ વખતે જવા દઉં છું, ફરી મળશો તો તારા તથા તારા બાપના ટાંટિયા ભાગી નાંખીશ, તેવી ધમકી આપી હતી. આ અંગે આર્યન અલ્પેશભાઈ પટેલે હરેશ મગનભાઈ પાટણવાડીયા રહે. ગોવાલી વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ