ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના તટ પર જાણે કે ભુમાફિયાઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, નદીનાં તટ પર રેતી કાઢવામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો સામે આવી રહી છે, તંત્રમાં લીઝનું સ્થળ બતાડવાનું જુદું અને ખોદકામ કરવું અન્ય જગ્યાએ તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, તો કેટલીક જગ્યાઓ ઉપર તો ભુમાફિયાઓએ માં નર્મદાને રીતસર બે ભાગમાં વહેંચી દઈ રસ્તાનું નિર્માણ કરી પોતાનો રોટલો શેકી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નર્મદા નદી કાંઠે વસેલું ભરૂચ જિલ્લાનાં નદી કાંઠા પણ હવે ભ્રષ્ટાચારી તત્વોએ બાકી રાખ્યા નથી તેમ જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે, પોતાના અંગત સ્વાર્થ અને આર્થિક ફાયદા માટે આ ભુમાફિયાઓ કેટલી હદે જઈ શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ અહીંયા જોવા મળી રહ્યું છે, જેમાં લોકચર્ચા મુજબ ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ, ઝનોર, ઝઘડિયાનાં ભાલોદ, તરસાલી અને નાંદ ગામની આસપાસનાં વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રેતીનું ખનન થઇ રહ્યું છે, જેમાં પણ કેટલાક સ્થળે તો ભૂમાફિયાઓ સરકારી નીતિ નિયમોને નેવે મૂકી નદીની વચ્ચે જઈ બોટ વડે પાઇપમાંથી રેતી કાઢવાના કાળા કારનામા ધોળે દિવસે શરૂ કર્યા છે, સાથે જ સરકારની તિજોરીને રોયલ્ટી વગર ચૂનો ચોપડવાનું કામ પણ બિંદાસ કરી રહ્યા છે જે અંગે થોડા દિવસો અગાઉ નાંદ ગામના ગ્રામજનોએ તંત્રમાં પણ રજુઆત પણ કરી છે.
જિલ્લા કલેક્ટર ખાણ ખનીજ સહિતના અધિકારીઓને જે તે સમયે નાંદ ગામનાં લોકોએ રજુઆત કરતા તંત્રએ સ્થળ પર પહોંચી કાર્યવાહી પણ શરૂ કરી હતી, પંરતુ થોડા દિવસો બાદ ફરી અમે નહિ સુધરવાના નીતિની જેમ ફરી ભુમાફિયાઓએ નર્મદા નદીમાં ભૂંગળા નાંખી ગેરકાયદેસર પાળાનું નિર્માણ શરૂ કર્યું છે, જેને લઇ નાંદ ગામના લોકોએ ફરી આવા ભુમાફિયાઓ સામે બાયો ચઢાવી તંત્રમાં રજુઆત કરી યોગ્ય ન્યાય મળે તેવી લોક માંગ ઉચ્ચારી છે, મહત્વનું છે કે નદીના વચ્ચે પાળા બનાવવાથી નર્મદા નદી બે ભાગમાં તો વહેંચાય જ છે, સાથે સાથે માછીમારોને પણ એક સ્થળેથી બીજા સ્થળે નાવડા લઇ જઈ શકતા નહિ તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે જે બાબત પણ ભવિષ્યમાં ઉગ્ર બને તો નવાઈ નહિ તેમ પણ લોકો વચ્ચે ચર્ચાઇ રહ્યું છે.