ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, ગતરોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણાએ એક પત્રકાર પરિષદ કરી તેઓની પાર્ટીના કેટલાય ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી તરફથી ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે જ ઉમેદવારી પત્રો પાછુ ખેંચી લેવા દબાણ કરતા હોવાની માહિતી મીડિયા સમક્ષ રજુ કરી હતી, સાથે જ તેઓની ધમકી સામે ભાજપે શાનમાં સમજી લેવાની ચેતવણી પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણાએ આપી હતી.
તો બીજી તરફ તાજેતરમાં જ ટીકીટ ન મળતા ભારતીય જનતા પાર્ટીમાંથી બળવો કરી 28 જેટલા અપક્ષ ઉમેદવારો સાથે ચૂંટણીના રણમાં ઉમેદવારી કરનાર મનહર પરમારે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ભારતીય જનતા પાર્ટી તરફથી ભરૂચ નગરપાલીકાના વોર્ડ નંબર 4 ના અપક્ષ ઉમેદવારોને ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા અને ભાજપ સામે હાથ જોડી વિનંતી કરી હતી કે જો તમે કામો કર્યા હશે તો પ્રજા તમને મત આપશે પણ તમે ધમકાવવાનું બંધ કરી દો તેવી વિનંતિ મનહર પરમારે કરી હતી.
આમ ઉમેદવારી પત્રો ભરાયા બાદ રાજકીય પાર્ટીઓમાં પોતાના ઉમેદવારો ચૂંટણી કઈ રીતે જીતી શકે તેવી રણીનીતિને લઇ ચાલતા હોય રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જોકે ફોર્મ પરત ખેંચવાની આવતી કાલે છેલ્લી તારીખ હોય જોવું રહ્યું કે કેટલા ઉમેદવારો અથવા અપક્ષમાં ચૂંટણીના રણમાં ટકી રહ્યા છે કે કેટલા પાછલા બારણે પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ચૂંટણી જંગ જીતવા માટે હવે રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવવાની શરૂઆત કરી છે.