ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જીઆઇડીસી વિસ્તારના સેલોદ નજીકથી પોલીસે ગેરકાયદેસર ૧૩ ભેંસો ભરીને જતી ટ્રક ઝડપી લીધી હતી. જિલ્લા તાલુકાની ચુંટણીઓ જાહેર થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલ સુચના મુજબ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઝઘડીયા પી.આઇ પી.એચ.વસાવા અને પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે એક ટ્રક ગેરકાયદેસર પશુઓ ભરીને પસાર થવાની છે, ત્યારે પોલીસે મળેલ માહિતી મુજબ વોચ ગોઠવતા જીઆઇડીસી વિસ્તારના સેલોદ ગામ નજીક વીજ સબ સ્ટેશન પાસેથી ૧૩ ભેંસો લઇને જતી એક ટ્રક ઝડપી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય બહાર દુધાળા પશુઓની નિકાસ પર પ્રતિબંધ છે, ત્યારે આવા પશુઓની હેરાફેરી કરતા ઇસમો પ્રત્યે પોલીસે લાલ આંખ કરતા આવા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. ઝઘડીયા પોલીસે ૧૩ ભેંસો જેની કિંમત રૂ.સાડા છ લાખ થાય છે, તે મુજબ આ મુદ્દામાલ પોલીસે કબજે લઇને આ ભેંસોને સલામત સ્થળે પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભેંસો લઇને જતા બે ઇસમો, ઇકબાલ ઇસ્માઇલ દશકા રહે.
લુવારા,તા.જી.ભરૂચ અને સલીમ મુસા સીંધી જમાદાર રહે.વલણ,તા.કરજણને હસ્તગત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ આ ભેંસો કરજણ તાલુકાના વલણ ગામના એક ઇસમે મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઇ જવા ટ્રકમાં ભરી આપી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ