– ઉમેદવારોના નામોની યાદી સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધ થતાં જ ભરૂચમાં સમર્થકોએ ઉમેદવારોને આવકારી લીધા હતા. વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જામ્યો.
– ભરૂચ પાલિકા વોર્ડ 2, અંકલેશ્વર વોર્ડ નંબર 8 અને આમોદ વોર્ડ 5 માં ઉમેદવારો જાહેર કરાયા નહિ.
– કેટલાક જુના જોગીઓની બાદબાકી, નવા ચહેરાઓને સ્થાન, ટિકિટો કપાતા અપક્ષ ઉમેદવારીનો ધમધમાટ.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સત્તાવાર જાહેર ન થતા અનેક લોકોમાં કુતૂહલ સર્જાયું હતું ત્યારે ગતરોજ મોડી રાત્રિએ ઉમેદવારોની સત્તાવાર યાદીની નકલો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાંની સાથે જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ જામ્યો હતો તો કેટલાય જૂના જોગીઓના પત્તા કપાયા હોવાના કારણે તેઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. ઉમેદવારોની યાદી જાહેર થતા તેઓના સમર્થકોએ તેઓને ફટાકડા ફોડી આતશબાજી સાથે મીઠાઈ ખવડાવી આવકારી લીધા હતા જેના પગલે ભરૂચ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ જામ્યો હતો.
ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર 4 પાલિકા, 1 જિલ્લા અને 9 તાાલુુુકા પંચાયત માટે બુુુધવારે મોડી રાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સત્તાવાર ફાઇનલ યાદી જાહેર કરાઈ હતી. ભરૂચ પાલિકા વોર્ડ 2, અંકલેશ્વર 8 અને આમોદ પાલિકા વોર્ડ 5 માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ બેઠકો પર વિજય મેળવવાના ઉદ્દેશ્યથી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક જગ્યાઓ પર નવા ચહેરાનો તક આપવામાં આવી છે, તો કેટલીક બેઠકો પર અપેક્ષીત રીતે જુના ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે.
ગત મોડી રાત્રિએ જ ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરતા કંઈ ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો જેમાં કેટલાય ઉમેદવારો નક્કી થતાં તેઓના સમર્થકોએ તેઓને મોડી રાત્રિએ આવકારી લીધા હતા અને શુભેચ્છાઓ અભિનંદન પાઠવ્યા હતા તો કેટલાક જૂના જોગીઓના પત્તા કપાયા હોવાના કારણે પક્ષ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. મોડી રાત્રી સુધી ભરૂચના લિંક રોડ તથા જુના ભરૂચમાં ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડી આતશબાજી સાથે ઉમેદવારોને આવકારી અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. મોડી રાત્રે સુધી ધૂમ ધડાકાના અવાજથી તથા આકાશમાં આતશબાજીના કારણે દિવાળી જેવો માહોલ જામ્યો હતો તો બીજી તરફ કેટલાય વિસ્તારોમાં જૂના જોગીઓના પત્તા કપાતા વિસ્તાર સૂમસામ જોવા મળ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો નક્કી કરી દીધા છે પરંતુ કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી જેના કારણે હજુ પણ કોંગ્રેસના ઉમેદવારોમાં કુતૂહલ સર્જાયું છે તો બીજી તરફ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મેળવવાની આશા વ્યક્ત કરતા મનહર પરમાર પણ હવે પોતાના ઉમેદવારોને વિવિધ વોર્ડમાં ઉભા કરવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં એટલે કે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવા અણસાર વર્તાઇ રહ્યા છે. એક વાત નિશ્ચિત છે કે અપક્ષ ઉમેદવાર મનહર પરમાર વિવિધ વોર્ડમાં પોતાની પહેલો ઊભા કરશે તો તેમાં સૌથી વધુ ભાજપમાંથી નારાજ થયેલા ઉમેદવારો હશે તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તરીકે ભરૂચમાં ત્રિપાંખિયો જંગ જામશે તો ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ પદનો તાજ કોના શિરે હશે તે જોવું રહ્યું.