ભરૂચ જિલ્લાના ઝઘડીયાની જીઆઇડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા સરકારની સૂચનાના આધારે કંપનીના સી.એસ.આર ફંડ હેઠળ વિવિધ પ્રકારના લોકોપયોગી કામો થતાં હોય છે. જેમાં વિકાસના, આરોગ્યલક્ષી તેમજ શૈક્ષણિક કામોનો સમાવેશ થાય છે.
ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ગેલેક્સી સરફેક્ટન્ટસ કંપની અને તલોદરા ગામના પર્યાવરણ ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી તલોદરા ગામમાં આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર જીઆઇડીસીની આજુબાજુના આઠ જેટલા ગામોને આરોગ્યલક્ષી સેવા અને સારવાર માટેની સુવિધા પૂરી પાડશે. તલોદરા ખાતે શરૂ કરવામાં આવેલા આરોગ્ય કેન્દ્ર ચલાવવા માટેના વિવિધ ખર્ચ અંતર્ગત ડોક્ટરની ફી, દવાનો ખર્ચ અને આરોગ્ય કેન્દ્રનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગેલકસી કંપની દ્વારા પૂરું પાડવામાં આવનાર છે. મેન્ટેનન્સ સાફ-સફાઈ અને અન્ય ખર્ચ પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. આરોગ્ય કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ગેલેક્સી કંપનીના ફેક્ટરી મેનેજર નૈષદ અજગાવકર તથા તલોદરા ગામના અગ્રણી વિઠ્ઠલભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ. ભરૂચ