રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મોસમ જામી છે, એક તરફ ઉમેદવારો પોતાની દાવેદારી પક્ષો સામે મક્કમતા પૂર્વક કરી રહ્યા છે તો બીજી તરફ એક બેઠક અને અનેક દાવેદારોની ચૂંટણી લડવાની જીદ સામે જવા રાજકીય પક્ષોની મુંજવણ વધી છે, ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટીના ન.પા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો હજુ જાહેર નથી થયા ત્યાં તો ઉકળતો ચરુ સામે આવી રહ્યો છે.
ભરૂચ તાલુકાના ભાડભૂત ગામના સરપંચ સરોજ બેન ટંડેલ અને તેઓના પતિ તેમજ ભાજપ જિલ્લા બક્ષી પંચ મોરચાનાં ઉપપ્રમુખ માછી સમાજના અગ્રણી પ્રવીણ ટંડેલ પક્ષ સામે પાયો ચઢાવી રાજીનામુ આપી દેતા રાજકીય ખળભળાટ મચ્યો છે, પ્રવીણ ટંડેલે સોશિયલ મીડિયામાં પોતાના રાજીનામાં અંગેનો પત્ર વાયરલ કરી ભારતીય જનતા પાર્ટીમાં વફાદાર કાર્યકરોની અવગણના થતી હોવાના આક્ષેપ કર્યા હતા.
તો બીજી તરફ ભરૂચ નગરપાલીકામાં પણ અંદર ખાને કેટલાક ઉમેદવારોના નામે જાહેર થયા હોવાની વાત સોશિયલ મીડિયામાં વહેતી થતા ગત ચૂંટણીઓમાં અપક્ષ ચૂંટણી જીતી ભાજપને સમર્થન આપનાર મનહર પરમાર પણ રોષે ભરાયા હતા અને તેઓની અવગણના થઇ હોવાના કારણે તેઓએ ભાજપ સામે બાયો ચઢાવી ભાજપના રાજમાં કોર્પોરેટરો, કોન્ટ્રાકટર બની ગયા અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે તેવા શબ્દોનો ઉલ્લેખ કરતા વીડિયોને સોશિયલ મિડિયામાં વાયરલ કરી આગામી ચૂંટણીઓમાં ફરી અપક્ષ તરીકે દાવેદારી નોંધાવશે તેવો હુંકાર કર્યો છે.