ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમલઝર ગામમાં આવેલ પંડિત દિન દયાળ સસ્તા અનાજની દુકાનના વિસ્તારમાં આવેલા ૪૦ ટકા લોકો પાસે રેશન કાર્ડ નહીં હોવાના આક્ષેપ સાથે, તથા જે લોકોના કાર્ડ ૨૦૧૩ માં બન્યા છે તેમને ૨૦૧૩ થી કાર્ડ મળ્યા ન હતા અને તે કાર્ડ હાલમાં મળ્યા હતા. ઉપરાંત તેમાં ૨૦૧૩ થી અનાજ લીધું હોવાની એન્ટ્રીઓ પડી હોઇ ગ્રામજનોએ ઝઘડિયાના નાયબ કલેકટરને આ બાબતે ફરિયાદ કરી હતી.
મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના આમલઝર ગામના દુકાનદારના વિસ્તારના ૪૦ ટકા લોકો પાસે રેશનીંગ કાર્ડ નહીં હોવાની ફરિયાદ નાયબ કલેકટરને કરવામાં આવી હતી. ભોગ બનનાર ગ્રાહકોએ જણાવ્યું હતું કે પંદર વર્ષ પહેલાં પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા કાર્ડ માંગવામાં આવ્યા હતા, જે આજદિન સુધી પરત આપવામાં આવ્યા નથી. જે લોકોના કાર્ડ ૨૦૧૩ માં બનાવેલ તે કાર્ડ જે તે કાર્ડ ધારકને લોકડાઉનના સમયગાળામાં આપેલ છે અને ૨૦૧૩ થી ૨૦૨૦ દરમિયાન તેમણે અનાજ નહિ લીધું હોવા છતાં તેમાં અનાજ લીધું હોવાની એન્ટ્રી પાડેલ છે. લોકડાઉન દરમિયાન સરકાર તરફથી જે મફત અનાજ આપવામાં આવ્યું તે પણ ગ્રાહકોને આપવામાં આવ્યું નથી. અંત્યોદય કાર્ડ ધારક માટે મળવાપાત્ર ઘઉ, ચોખા, ખાંડ પુરતુ આપવામાં આવતું નથી. આમલઝર પંચાયતમાં ૪૦ ટકા લોકો પાસે રેશનકાર્ડ નથી અને કેટલાકના રેશનીંગ કાર્ડ કાઢવા માટે ત્રણ હજાર રૂપિયા પણ લેવામાં આવ્યા છે તેવો આક્ષેપ આવેદનપત્રમાં કરાયો છે. અગાઉ ફરિયાદના આધારે ત્રણ માસ પહેલા પુરવઠા વિભાગમાંથી તપાસ અર્થે અધિકારીઓ આમલઝર ખાતે સ્થળ નિરીક્ષણ માટે આવેલા જેનો જવાબ પંચક્યાસ પણ લીધો હતો પરંતુ આજદિન સુધી તેની કોઇ તપાસ થઇ નથી એવું જણાવાયુ હતુ. આ બાબતે ન્યાયિક તપાસ કરવા ગ્રામજનોએ માંગ કરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ