ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ નજીક બંધ થયેલી બાઇક ચાલુ કરવા જતા બાઇકમાં ભડકો થયો હતો અને બાઇક સળગી ગઇ હતી.
રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ પિપલપાન ગામનો કિરણભાઇ અભેસીંગભાઇ વસાવા નામનો યુવાન ઝઘડીયા નજીકની એક કંપનીમાં નોકરી કરે છે. તા.૩ ના રોજ સવારે પાંચ વાગ્યાના અરસામાં કિરણ બાઇક લઇને નોકરીએ જવા નીકળ્યો હતો. રાજપારડી પસાર કર્યા બાદ મુખ્ય ધોરીમાર્ગ પર ખડોલી ગામ નજીક બાઇક બંધ પડી ગઇ હતી. બાઇક ચાલુ કરવા કિરણે ત્રણ ચાર વાર સેલ મારતા બાઇકમાં એકાએક ભડકો થયો હતો. બાઇક ચાલક કિરણ સમયસુચકતા વાપરીને બાઇક પરથી નીચે ઉતરી પડતા તેનો આબાદ બચાવ થયો હતો. આગે બાઇકને ભરડો લેતા બાઇક સળગી ગઇ હતી. ધોરીમાર્ગ પર બાઇક સળગી ગઇ હોવાના સમાચાર થોડીવારમાં જ રાજપારડી ઉપરાંત નજીકના ગામોએ પહોંચી ગયા હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી, પરંતુ શોટ સર્કિટ કે અન્ય કોઇ યાંત્રિક ખામીના કારણે આગ લાગી હોવાનું મનાય છે. ઘટનાની ખબર પડતા રાજપારડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં કિરણભાઇ અભેસીંગભાઇ વસાવા રહે. પીપલપાન તા.ઝઘડીયાની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ