પોલિયો પલ્સ કાર્યક્રમ માટેનો રાષ્ટ્રીય રોગપ્રતિકારક દિવસ 31 મી જાન્યુ.ની ધોળીકુઈ અર્બન હેલ્થ સેન્ટર, કસક સર્કલ અને સાંઇ મંદિર ખાતે રોટરી કલબ ઓફ ભરૂચ, રોટેરેક્ટ અને ભરૂચની ઇન્ટરેક્ટ ક્લબ્સ દ્વારા કરવામાં આવ્યો. કાર્યક્રમને સફળ બનાવવા ડૉ.પૂનમબેન તેમજ નર્સિંગ સ્ટાફ સહિત તાલુકા આરોગ્ય અધિકારી એ ભારે જહેમત ઉઠાવી હતી. રોટરી કલબ દ્વારા 200 રેડિયમ કાર સ્ટીકરો વિતરણ દ્વારા “એન્ડ પોલિયો નાઉ” અને “ટ્રાફિક અવેરનેસ” વિશે પણ જાગૃતિ ફેલાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. રોટરી કલબ ભરૂચે શહેરના વિવિધ સ્થળોએ પોલિયો રસિકરણમાં વ્યસ્ત પોલિયો સ્વયંસેવકો અને નર્સિંગ સ્ટાફને પણ 450 ફૂડ પેકેજ પહોંચાડ્યા હતા.
આજરોજ જિલ્લામાં કુલ 2.31લાખ કરતા વધુ બાળકોને પોલિયોની રસી મુકવાનો લક્ષ્યાંક રખાયો છે.
ભારત પોલિયો મુક્ત દેશ બને તેના માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના એક ભાગ રૂપે આજે તા 31/1ના રોજ જિલ્લામાં 2.31લાખ બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવવાનો લક્ષ્યાંક રખાયો છે. જિલ્લા આરોગ્ય તંત્રના ડો.નિલેશના જણાવ્યાં મુજબ જિલ્લામાં પોલિયોની રસી પીવડાવવા 964કેદ્રો નક્કી કરવામાં આવ્યા છે, તે સાથે 244જેટલાં મોબાઈલ યુનિટ દ્વારા પણ પોલિયોની રસી પીવડાવવામાં આવશે. આ સમગ્ર પોલિયો રસી અભિયાન અંગે સમગ્ર ભરૂચ જિલ્લામાં 1720 કરતાં વધુ આરોગ્ય કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે. ભરૂચ શહેરમાં પણ 5વર્ષ સુધીની વય ધરાવતાં બાળકોને પોલિયોની રસી પીવડાવાઈ રહી છે.