અંકલેશ્વર શહેર વિસ્તારનાં લંબરમુછીયાએ પોતાના મિત્રની હત્યા કરતાં શહેરમાં સનસનાટી મચી જવા પામી છે હત્યા બાદ હત્યારો ફરાર થઇ ગયો છે.
અંકલેશ્વરનાં ચૌટા બજારના દગા ફળિયામાં રહેતા ઉત્તમભાઈ દાસના બે પુત્રો અનુપમ અને રૂપમની મિત્રતા હવેલી ફળિયામાં રહેતા હર્ષ પટેલ સાથે હતી. હર્ષ પટેલે અનુપમ દાસને નોકરી અપાવવા માટે એક લાખની માંગણી કરી હતી. જેથી નોકરી ઇચ્છુક અનુપમે હર્ષને એક લાખ રોકડા આપ્યા હતાં. સમય જતાં લાંબા સમય સુધી નોકરી ન મળતાં અનુપમે પોતાના મિત્ર હર્ષ પાસેથી રૂપિયા એક લાખની પરત મેળવવા માટે ઉઘરાણી શરૂ કરી હતી. જેની રીસ રાખીને તારીખ ૨૮ મી જાન્યુઆરીની મોડી રાત્રે હર્ષ પટેલે અનુપમ અને રૂપમને જ્યોતિ ટોકીઝ પાસે બોલાવીને નાણાં લેવા માટે સજોદ જવાનું હોવાનું કહ્યું હતું. હર્ષ પટેલ હુંડાઇ આઇ ટવેન્ટી કાર નં. જીજે ૧૬ સીએચ ૩૮૭૩ લઈને આવ્યો હતો. અનુપમને હર્ષ પટેલ કારમાં બેસાડીને લઈ ગયો હતો જ્યારે અનુપમનાં નાનાભાઈ રૂપમે એક્ટીવા પર પીછો કર્યો હતો. હર્ષ દ્વારા કાર સજોદના બદલે સરફુદ્દીન ગામ તરફ લઈ જઈને રોડ સાઈડમાં કાર ઉભી કરી ઝઘડો શરૂ કર્યો હતો એન હર્ષ પટેલે અનુપમ પર ચપ્પુથી હુમલો કરી ચપ્પુનાં ઘા મારી અનુપમની હત્યા કરી હતી. પીછો કરી રહેલ અનુપમનાં નાનાભાઇ રૂપમ ઝઘડામાં વચ્ચે પડતાં તેના હાથની નસો કાપી નાખી હતી. ઘટનાને અંજામ આપી હર્ષ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. અનુપમની હત્યાના સમાચાર મળતા જ શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચ કેસ કરી લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે તેના નાના ભાઈ રૂપમની હાથની નસો કપાતા તે હાલ સારવાર હેઠળ છે.
રૂપિયા એક લાખની બાબતે લંબરમુછીયાઓ વચ્ચે આજે તેની હિંસા થતાં સનસનાટી મચી જવા પામી છે. હત્યા કરનાર હર્ષ પટેલ ફરાર થઇ ગયો છે. અંકલેશ્વર શહેર પોલીસે હર્ષ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.