ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ગામે ભાજપનાં કાર્યકર હિરલ પટેલ પર થયેલા હુમલામાં ત્રણ ઈસમો વિરૂદ્ધ નામજોગ અને અન્ય છ ઈસમો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં બીટીપી અને બીટીએસનાં હોદ્દેદારો અને આગેવાનોનાં નામો ખોટી રીતે રાજકીય દબાણને વશ થઇને દાખલ કરાયા હોવાના આક્ષેપ સાથે ભીલીસ્થાન ટાઇગર સેનાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખોટી રીતે ફરિયાદમાં સંડોવણી કરેલ હોદ્દેદારોના નામ રદ કરવાની માંગણી કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયા મુજબ રાજકીય દબાણને વશ થઈને ખોટી રીતે ઝઘડીયા તાલુકા બીટીપીના પ્રમુખ કલ્પેશ કાલિદાસ વસાવા, બીટીએસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇમ્તિયાઝ અલી સૈયદ અને જુનાપોરા ગામના સરપંચ અક્ષય વસાવાના નામો ખોટી રીતે ફરિયાદમાં દાખલ કરાયા હોવાનો આક્ષેપ કરીને ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા આવેદન આપીને ફરિયાદમાં દાખલ થયેલ નામો રદ કરવા માંગ કરવામાં આવી હતી. વધુમાં જણાવાયા મુજબ આ હોદ્દેદારો રાજકીય રીતે સંકળાયેલા છે અને હિંદુ-મુસ્લિમ બંને સમાજના ગરીબ લોકોને તેમજ આદિવાસી સમાજને સહાય કરે છે જેથી ખોટી રીતે એફ.આઇ.આર.માં નામ ચઢાવ્યા છે, તેની સામે ટાઈગર સેનાએ આ બાબતનો વિરોધ કરીને ન્યાયિક તપાસની માંગ કરી હતી. આ ધટનામાં યોગ્ય નિરાકરણ નહીં આવે ભિલીસ્થાન ટાઈગર સેના તરફથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ભરૂચ : રાજપારડીમાં BTP નાં હોદ્દેદારો સામે મારામારીનાં મુદ્દે થયેલી ફરિયાદનાં વિરોધમાં બીટીપી અને બીટીએસ દ્વારા વળતો આક્ષેપ કરી જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.
Advertisement