ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં જાંબોલી ગામે છેલ્લા કેટલાક દિવસથી દીપડાનો આતંક જણાતો હતો. ગ્રામજનોની રજુઆતને પગલે વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું, જેમાં દીપડો આબાદ ઝડપાઇ ગયો હતો અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ દીપડાએ ધમપછાડા કરતા પાંજરૂ પલ્ટી ગયું હતું અને પાંજરાનો દરવાજો ખુલી જતા દિપડો ભાગી ગયો હતો તેવી વાતો લોકચર્ચા મુજબ જાણવા મળી હતી.
ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે દીપડાઓ દેખાવાની ઘટનાઓ વધી રહી છે. હાલમાં સુગર ફેકટરીઓના શેરડી કટીંગ પૂરજોશમાં ચાલતું હોય, દીપડાઓ બહાર નીકળી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ઝઘડિયા તાલુકાના જાંબોલી ગામે અવાર નવાર દીપડો ખેડૂતોને દેખાતો હોવાની ફરિયાદ વનવિભાગને કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા ગતરોજ દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું જેમાં દીપડો પાંજરે પૂરાયો હતો. ગતરોજ મોડી સાંજે દીપડો પાંજરે પુરાયા બાદ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. પાંજરે પુરાયા બાદ તે ધમપછાડા કરતો હતો. દિપડાના ધમપછાડામાં પાંજરૂ પલટી થઈ ગયું હતું જેમા તેનો દરવાજો અડધો ખુલી ગયો હતો જેના કારણે દીપડો પાંજરામાંથી ભાગી જવામાં સફળ થયો હતો. દીપડો પાંજરામાંથી ભાગી જતા જાંબોલી ગામમાં દીપડા સાથે સાથે ગ્રામજનો પણ ભાગતા નજરે પડ્યા હતા. પાંજરૂ સમતલ જગ્યાએ નહીં ગોઠવ્યું હોવાના કારણે દીપડાના ધમપછાડામાં પાંજરૂ પલ્ટી થયું હતું અને દીપડાને ભાગી જવામાં મોકળો માર્ગ મળ્યો હતો તેમ સ્થાનિક ગ્રામજનોમાં ચર્ચાતી વાતો મુજબ જાણવા મળ્યુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ