માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલમાં કાયમી ધોરણે ડોક્ટર અને કર્મચારીઓની નિમણૂક નહીં કરવામાં આવતા આદિવાસી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે જેના વિરોધમાં માંગરોળ તાલુકા આદિવાસી સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શિત કરી તાત્કાલિક ધોરણે ડોક્ટર અને કર્મચારી સ્ટાફની નિમણૂક કરવાની માંગ કરી છે.
કરોડો રૂપિયાના ખર્ચે તાલુકા મથક ખાતે સરકારી રેફરલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ ડોક્ટર અને પૂરતા આરોગ્ય સ્ટાફની નિમણૂક કરવામાં નહીં આવતા તાલુકાના આદિવાસી દર્દીઓ કાયમી ધોરણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મુદ્દે માંગરોળ તાલુકા આદિવાસી સમાજ અને જનજાતિ સુરક્ષા મંચના આગેવાનો દિનેશભાઈ ગામીત, ભરતભાઇ ચૌધરી, માલાભાઈ ગામીત, હર્ષદભાઈ ગામીત, ઉમેશભાઈ ગામીત, હરીશભાઇ ગામીત સહિતના આદિવાસી સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી સામે વિરોધ પ્રદર્શિત કરી જણાવ્યું કે 1990 થી સત્તાવાર રીતે કાયમી ધોરણે ડોક્ટરની નિમણૂક સરકારી રેફરલ હોસ્પિટલમાં કરવામાં આવી નથી પૂરતા પ્રમાણમાં આરોગ્ય સ્ટાફ મૂકવામાં આવ્યો નથી જેને કારણે સમગ્ર તાલુકાના આદિવાસી સમાજના દર્દીઓને 100 થી 150 કિલોમીટર સારવાર લેવા દૂરની હોસ્પિટલમાં જવું પડે છે જેથી તાલુકાના આદિવાસી દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ પરિસ્થિતિના વિરોધમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા માંગરોળના મામલતદારને એક લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.