*18 મી જાન્યુઆરીથી તા.17 ફેબ્રુઆરી દરમિયાન માર્ગ સલામતી માસની ઉજવણી કરાશે
પંચમહાલ જિલ્લામાં આજે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી અને પોલિસ અધિક્ષકશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને 32મા નેશનલ રોડ સેફટી માસ-2021ની ઉજવણીનો શુભારંભ સમારોહ યોજાયો હતો. માર્ગો પર થતા અકસ્માતો અટકાવવા માર્ગ સલામતીના નિયમોનું મહત્વ સમજાવવા ઉજવાતા રોડ સેફ્ટી માસની આ વખતની થીમ ‘સડક સુરક્ષા જીવન રક્ષા’ છે. જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં યોજાયેલ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે કોરોના કટોકટી દરમિયાન ઓછી અવરજવરના કારણે અકસ્માતો ઘટ્યા બાદ હવે ફરી માર્ગો પર વાહનોની અવરજવર પૂર્વવત થઈ છે ત્યારે આ પ્રકારના જાગરૂકતા અભિયાનની ખાસ જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે મોટરિંગ પબ્લિકને તેમની પોતાની સલામતી માટે રોડ સેફ્ટીને લગતા નિયમોના પાલનનું મહત્વ સમજાવવાની એટલી તાતી જરૂર છે કે આ વખતે રોડ સેફ્ટીનું આ અભિયાન એક સપ્તાહની બદલે એક મહિના સુધી ચલાવવામાં આવશે. કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન તેમજ રાહત કાર્યો સમયે અનેક જોખમો અને વિપરીત પરિસ્થિતીઓની વચ્ચે ઉભા રહીને ફરજ બજાવનારા ટ્રાફિક પોલિસના જવાનો, ટીઆરબીના જવાનો અને આરટીઓ કર્મચારીઓની કામગીરીને વખાણતા તેમણે સામાન્ય જનતા સાથે રોડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન સમયે થતા ઘર્ષણને સંવેદનશીલતાથી અને કુનેહપૂર્વક હેન્ડલ કરવા તેમજ સંયમ ન ગુમાવી કાયદેસરની કાર્યવાહી કરવા સલાહ પણ આપી હતી. આ ઉપરાંત મોટરિંગ પબ્લિકમાં વાહનોના અને પોતાના ઈન્સ્યુરન્સ અંગે જાગરૂકતાનો મોટો અભાવ હોવાનું જણાવતા આ દિશામાં જાગરૂકતા વધે તેવા કાર્યક્રમો કરવા, રોડ સેફ્ટીના નિયમો અંગે જાગૃતિના કાર્યક્રમોમાં સરકારી ડ્રાઈવરોને પણ સમાવી લેવા, રોડ સેફ્ટી અંગેના વિવિધ કાર્યક્રમો જિલ્લાના તમામ વર્ગના અને તમામ વિસ્તારના લોકોમાં અસરકારક રીતે પહોંચે તે રીતે કરવા સૂચના આપી હતી.
કાર્યક્રમના સહઅધ્યક્ષ જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલે જણાવ્યું હતું કે ટ્રાફિકનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે વાહનચાલકોના અમૂલ્ય જીવનને સુરક્ષિત રાખવાના હેતુથી રોડ સેફ્ટીના નિયમો અને નિયમપાલન અંગે જાગરૂકતા વધારવા આવા કાર્યક્રમો સતત થાય તે આવશ્યક છે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ઓવરસ્પીડીંગ, ખોટી રીતે ઓવરટેક કરવા, ડ્રીઁક એન્ડ ડ્રાઈવને માર્ગ અકસ્માત થવા માટે સૌથી જવાબદાર કારણો ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે અકાળ મૃત્યુના કારણોમાં માર્ગ અકસ્માતોનો ફાળો સૌથી મોટો છે અને આ સ્થિતિ બદલવાની જરૂર છે. પોલિસ અધિક્ષકશ્રીએ ઉમેર્યું હતું કે રોડ સેફ્ટીના નિયમોનું ચુસ્ત પાલન આ પૈકીના ઘણા અકસ્માતો નિવારી શકે છે અને આ બાબતે મોટરિંગ પબ્લિકને સેન્સેટાઈઝ કરવાની જરૂર છે અને તેમાં રોડ સેફ્ટી મહિના અંતર્ગત કરવામાં આવતા કાર્યક્રમો અતિ ઉપયોગી સાબિત થશે. આ વખતની ઝુંબેશ ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચે તે દિશામાં કામગીરી કરવા પર ભાર મૂકતા ડો. પાટિલે આ અભિયાનને સફળ બનાવવા વાહનચાલકોનો સહયોગ અનિવાર્ય હોવાનું ઉમેર્યું હતું. આ અગાઉ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અજય શાહે શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમનું પ્રારંભિક રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.પંચાલ, એસટીના વિભાગીય નિયામકશ્રી ડિંડોળ, આરટીઓ ઈન્સ્પેક્ટરશ્રી આર.બી.લોઢા, જિલ્લા ટ્રાફિક પીએસઆઈશ્રી ગઢવી, વિવિધ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ્સના ઈન્સ્ટ્રક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ:- રાજુ સોલંકી