માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ માર્ગ પર સેલારપુર ગામના પાટિયા નજીક મારૂતિ વાનના ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા નવ વર્ષીય બાળકનું અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું.
માંડવી તાલુકાના વેગી ગામના રામજીભાઈ કરશનભાઈ ચૌધરી પોતાની મોપેડ લઈ તેમની પત્ની વિદુબેન તેમજ પૌત્ર કેતુક સાથે પથરીની દવા લેવા માટે વાલીયા તાલુકાના કવચીયા ગામે ગયા હતા ત્યાંથી દવા લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે સેલારપુર ગામના પાટિયા નજીક એક અજાણ્યા સફેદ કલરની મારૂતિ વાનના ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી મોપેડ ચાલકને અડફેટે લેતા રામજીભાઈ તેમજ તેમની પત્ની વિદુબેન અને પૌત્ર કેતુક ઉંમર વર્ષ નવ રસ્તા પર ફંગોળાઇ ગયા હતા ત્યારે સફેદ મારૂતિ વાનનો ચાલક પોતાનું વાહન પૂરપાટ હંકારી ભાગી છૂટ્યો હતો. આ સમયે ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ઝંખવાવની સરકારી હોસ્પિટલમાં 108 ની મદદથી લઈ જવાયા હતા. અકસ્માતમાં કેતુકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે તેને બારડોલી ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતું. કેતુક ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો. આ ગુના સંદર્ભમાં રામજીભાઈ કરશનભાઈ ચૌધરીએ માંગરોળ પોલીસ મથકમાં અજાણ્યા સફેદ કલરની મારૂતિ વાનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.