ભરૂચનાં અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે જેમાં હિન્દુ-મુસ્લિમનાં મકાનો આવેલા છે આ ધારો લાગુ પડયા બાદ તેનો યોગ્ય અમલ થાય તેવી માંગણી સાથે જૂના ભરૂચનાં રહેવાસીઓએ કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે.
આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષથી જૂના ભરૂચમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો છે. જેમાં હાથીખાના, લાલબજાર, કંસારાવાડ, કોઠી વિસ્તાર, બહાદુર બુરજ, સોની ફળિયા આ તમામ વિસ્તારમાં સુમેળભર્યું વાતાવરણ બની રહે તેના માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, તેમ છતાં અહીં હિન્દુ લોકોની વસ્તી વસવાટ કરે છે તેવામાં મુસ્લિમ કોમ્યુનીટીને ઘર સોંપવામાં આવ્યા છે. આથી આજે બહાદુર બુરજ સોની ફળિયાનાં યુવક મંડળ અને હિન્દુસ્તાન નિર્માણ દળ તરફથી કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી અહીં સુમેળભર્યું વાતાવરણ પ્રસ્થાપિત થાય અને એકબીજા સાથે ઘર્ષણ ન થાય તેવી માંગણી કરવામાં આવી છે અને આ વિસ્તારોમાં અશાંત ધારાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આવેદનપત્ર પાઠવવા જિજ્ઞાસા ગોસ્વામી, ધવલ કનોજીયા, સેજલ દેસાઇ સહિતનાં આગેવાનો તેમજ ત્યાંનાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચમાં અશાંત ધારાનું ચુસ્ત પાલન થાય તેવી માંગ સાથે સોની ફળિયા યુવક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર.
Advertisement