ઉમરપાડા તાલુકામાં કાયમી ધોરણે મામલતદાર અને ટીડીઓની નિમણૂક કરવાની માંગ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી ઉમરપાડા તાલુકા મથક ખાતે કાયમી ધોરણે ટીડીઓની નિમણૂક કરવામાં આવી નથી. માંગરોળ તાલુકાના ઇન્ચાર્જ ટીડીઓથી હાલ તાલુકાના વહીવટનું ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે જ્યારે તાલુકા વિકાસ અધિકારી જેવી મહત્વની પોસ્ટ ઉપર કેટલાક મહિનાઓથી કાયમી ધોરણે જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી જેને લઇ તાલુકાનો વિકાસ ખોરંભે પડી રહ્યો છે.
હાલમાં સરકારની મહત્તમ યોજના ઓના અમલની જવાબદારી તાલુકા વિકાસ અધિકારી પાસે હોય છે પરંતુ યોજનાના લાભો મુખ્ય અધિકારી વિના લોકોને મળતા નથી તાલુકાના વડા ગણાતા મામલતદારની જગ્યા છેલ્લા કેટલાક મહિનાથી ખાલી પડી છે ઈન્ચાર્જ મામલતદારથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા ઉમરપાડા તાલુકામાં મહત્વના બંને અધિકારીઓની કાયમી નિમણૂક વિના હાલ મોટી મુશ્કેલી ઉભી થઈ રહી છે આ બાબતે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હિતેશભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટરને સંબોધીને લખેલું આવેદનપત્ર ઉમરપાડાના ઇન્ચાર્જ મામલતદારને આપવામાં આવ્યું છે અને વહેલી તકે ઉમરપાડા તાલુકામાં બંને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.