ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓની પરીક્ષા થોડી મોડી લેવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજરાતનાં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ જમા કરવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે.
ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021 માં લેવાનારી બોર્ડની પરીક્ષાઓમાં ફી નાં ધોરણો નકકી કરી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 અને 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષા અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં ફી નાં ધારા ધોરણો બહાર પાડવામાં આવ્યા છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનાની બદલે મે માહિનામાં લેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રૂ.605 નિયમિત ફી ભરવાની રહેશે તેમજ એક વિષયનાં રિપીટર વિદ્યાર્થીએ રૂ.180, બે વિષય માટે 300 અને ત્રણ વિષય માટે રૂ.420 તેમજ ત્રણ વિષય કરતાં વધારે વિષયની રિપીટર વિદ્યાર્થીને રૂ.605 ફી આપવાની રહેશે તેમજ વિજ્ઞાનમાં પ્રાયોગિક વિષયની વિષય દીઠ ફી રૂ.110 રહેશે.
તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓ માટે નિયમિત વિદ્યાર્થીએ રૂ.490 ફી ભરવાની રહેશે તથા નિયમિત એક વિષયનાં રિપીટર વિદ્યાર્થીએ રૂ.140, બે વિષય માટે રૂ.220, ત્રણ વિષય માટે રૂ.285 અને ત્રણ વિષય કરતાં વધુ વિષય માટે રૂ.490 ફી નકકી કરવામાં આવી છે. પ્રાયોગિક વિષયની વિષયદીઠ રૂ.10 ફી ભરવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નિયમિત વિદ્યાર્થીએ રૂ.355, રિપીટર વિદ્યાર્થીએ એક વિષયની રૂ.130, બે વિષયની રૂ.185, ત્રણ વિષયની રૂ.240 અને ત્રણ વિષય કરતાં વધુ વિષયની રૂ.345 ફી ભરવાની રહેશે જેમાં ખાનગી ઉમેદવારે રૂ.730, ખાનગી રિપિટરે એક વિષયનાં રૂ.130, બે વિષયનાં રૂ.185, ત્રણ વિષયનાં રૂ.240 અને ખાનગી રિપિટરે ત્રણ કરતાં વધુ વિષયમાં રૂ.345 ફી ભરવાની રહેશે.
આ તમામ ફી નાં ધોરણોમાંથી ધોરણ 10 અને 12 માં સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.