ભરૂચ સબજેલમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડની ટીમે અચાનક ચેકિંગ હાથ ધરતાં જેલના સર્કલ – 2 માં આવેલાં એક આંકડાના છોડ નીચે ખાડામાં સંતાડેલો મોબાઇલ મળી આવ્યો હતો. ટીમે અજાણ્યા કેદી સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદની અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટની કચેરીની ઝડતી સ્કવોર્ડની ટીમે ભરૂચ સબજેલમાં ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાનમાં સબજેલના સર્કલ -2 માં પ્રવેશતાં ડાબી બાજુમાં આવેલાં એક આંકડાના છોડની નીચે ખાડો ખોદીને દાટેલો સ્ટ્રોબેરી કંપનીનો એક મોબાઇલ મળી આવ્યો હતો. તપાસ કરતાં મોબાઇલમાં બેટરી કે સિમકાર્ડ જણાયો ન હતો. જ્યારે મોબાઇલની અંદરનું સ્ટીકર ઘસી નાંખ્યું હોઇ તેનો ઇ.એમ.આઇ નંબર જાણી શકાયો ન હતો. ઘટનાને પગલે ઝડતી સ્કવોર્ડના જેલર દેવસી રણમલ કરંગીયાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી મોબાઇલના ઇ.એમ.આઇ નંબરના આધારે તે મોબાઇલથી કોણે અને ક્યાં ક્યાં ફોન કરવામાં આવ્યાં હતાં તેની તપાસ કરવાની કવાયત હાથ ધરી છે.