ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલ પહાડ પર સુફી સંત હઝરત બાવાગોરની દરગાહે દર ગુરુવારે દર્શનાર્થીઓ આવતા હોય છે. પહાડ પર કેટલીક વાર યાત્રાળુઓની વસ્તુઓ કે રુપિયા ચોરાતા હોઇ, રાજપારડી પોલીસને આ બાબતે ખબર મળતા પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ ચોરને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
આ સ્થળે તાજેતરમાં તા.૧૭ ડિસેમ્બરના રોજ એક ઇસમના રુ.૩૮,૫૦૦ ચોરાયા હતા.આ બાબતે રાજપારડી પોલીસમાં ફરિયાદ પણ લખાવા પામી હતી. દરમિયાન પોલીસ જવાનોએ તા.૨૪ ડિસેમ્બર ગુરુવારના રોજ આ સ્થળે સાદા ડ્રેસમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક યાત્રાળુના ખીસ્સામાંથી રુ.૧૧૦૦ ચોરીને એક ઇસમ ભાગતો હતો, ત્યારે ચોરની બુમો ઉઠતા સાદા ડ્રેસમાં રહેલ પોલીસ જવાનોએ સતર્કતા દાખવીને રુપિયા ચોરીને ભાગતા ઇસમને ઝડપી લીધો હતો. પોલીસની પુછપરછ દરમિયાન આ ઇસમનું નામ અનવરહુશેન રસુલ શેખ રહે.સુરતી ભાગોળ અંકલેશ્વર જણાયુ હતુ.પોલીસની પુછપરછ દરમિયાન આ ઇસમે તા.૧૭ મી ના રોજ કરેલ રુ.૩૮૫૦૦ ની ચોરીની કબુલત કરી હતી. પોલીસે આ ઇસમને હસ્તગત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ધાર્મિક જગ્યાએ થયેલ ચોરીનો ભેદ પોલીસે સાદા ડ્રેસમાં વોચ ગોઠવીને ઉકેલતા દરગાહ વહિવટી તંત્ર અને યાત્રાળુ વર્ગે રાહતની લાગણી અનુભવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ