ભરૂચ-જંબુસર માર્ગ પર દેરોલ-દયાદરા નાળા પાસે ઓવરટેક મારતા કન્ટેનરે ઇકો કારને ટક્કર મારતા 7 વર્ષના પુત્રનું મોત થયું હતું, જ્યારે પિતા અને કાકાને ઇજા પહોંચી હતી.
આમોદ તાલુકાના કુરચણ ગામે નવી નગરીમાં રહેતા સમીર નશરૂશાહ દિવાન 7 વર્ષથી ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે તેઓ પોતાની ઇકો કાર લઇને વણાકપોર ગામે કાકાના દિકરા શાકીરની સાસરીમાં જવા માટે નીકળેલા હતા. તેમની સાથે પિતરાઈ શાકીરશાહ સરીફશાહ દિવાન તથા તેની પત્ની રેશમીનબાનુ અને પુત્ર સજર ઉ.વ.7 હતા.
વણાકપોર ગામે જમી પરવારી પરત કુરચણ ગામે આવવા માટે નીકળેલા તે દરમ્યાન રાતે સાડા નવેક વાગ્યાના સુમારે દેરોલ દયાદરા વચ્ચે આવેલ નાળા પાસે આવતા એક કન્ટેનર ચાલકે ઓવરટેક મારતા ઇકો કારણે ટક્કર મારી હતી. અકસ્માતમાં ઇકોમાં અંદર બેઠેલ પુત્ર સજરને માથામાં ગંભીર ઇજા થવાથી બેભાન થઇ ગયો હતો. જ્યારે શાકીરશાહને મોઢાના ભાગે અને સમીરભાઈને ઇજાઓ શરીરે ઇજાઓ પહોંચી હતી.
અન્ય વાહનચલકોએ 108 ને ફોન કરતા ત્રણેય ઇજાગ્રસ્તોને ભરૂચ ખાતે લાવતા સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષના બાળકને મૃત જાહેર કરાયેલ, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત સંદર્ભે પિતા એ ફરિયાદ નોંધાવતા ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી ફરાર ટેન્કર ચાલકની શોધખોળ આરંભી છે. વધુ તપાસ પી.આઈ. ઓ.પી. સિસોડીયા ચલાવી રહ્યા છે.